web counter
March 28, 2020

બીલી

બીલી : બીલીને સંસ્કૃતમાં બીલ્વ, શ્રીફળ, શાંડીલ્ય અને શલુષ પણ કહે છે. તેનાં મુળ, પાન તથા કાચાં અને પાકાં ફળ દવામાં વપરાય છે. ઔષધ અને શરબત માટે સારાં પાકાં ફળ લેવાં. કુમળાં કાચાં બીલાં મરડા-ઝાડાની રામબાણ દવા છે.

બીલીનાં ઝાડ ૨૦-૨૫ ફુટ ઉંચાં થાય છે. એની શાખાઓ ઉપર કાંટા હોય છે. પાન ત્રીપર્ણી અને એકાંતરે આવેલાં હોય છે. પાન મસળતાં એક જાતની સુગંધ આવે છે. ફુલ આછા લીલાશ પડતાં સફેદ હોય છે. ફળ કોઠા કે મોસંબી જેવડાં અને કઠણ છાલવાળાં હોય છે. ઔષધમાં નાનાં કુમળાં ફળ વપરાય છે. પાકાં મોટાં ફળો શરબત બનાવી પીવામાં વપરાય છે.બીલી સંગ્રાહી એટલે મળને રોકનાર, દીપનીય એટલે જઠરાગ્ની પ્રબળ કરનાર તથા વાયુ અને કફનું શમન કરનાર છે. એનાં કાચાં ફળનું શાક તથા અથાણું થાય છે. કાચા બીલાના સુકા ગર્ભને બેલકાચરી કહે છે.બીલું ઘણું પૌષ્ટીક, દીપન પાચક અને ગ્રાહી છે. બીલું ગ્રાહી છે એટલે કે તે મળને બાંધીને રોકે છે. અાવી દીપન, પાચક અને ગ્રાહી વનસ્પતી ભાગ્યે જ મળે છે. બીલીના સુકા ફળનો અંદરનો ગર-માવો મરડાનું અને પાતળા ઝાડાનું ઉત્તમ ઔષધ છે. એ કાચાં ઔષધો વેચતા ગાંધીને ત્યાં મળે છે.કુમળું બીલું મરડા અને ઝાડાની રામબાણ દવા છે. કુમળા બીલાનો ગર્ભ જઠરાગ્ની તેજ કરે છે અને અતીસાર મટાડે છે. તે મરડામાં થતો રક્તસ્રાવ અટકાવે છે. આથી દુઝતા હરસમાં એ ઉપયોગી છે.(૧) હરસમાં લોહી પડતું હોય તો બીલાનો ગર ખાવાથી મટીજાય છે.(૨) પાકાં બીલાં ગળ્યાં હોય છે. તેમાં ખાંડ નાખી શબત બનાવી પીવાથી ઝાડા મટે છે તથા ઠંડક મળે છે. ખાસ કરી મરડામાં તે ઘણું કામ અાપે છે.(૩) બીલીના ઝાડથી હવા શુદ્ધ થાય છે.(૪) અાંખના રોગોમાં તેનાં પાન વાટી એનો રસ અાંખમાં અાંજવો.(૫) ગૌમુત્રમાં બીલું વાટી તેલ મેળવી પકવીને કાનમાં મુકવાથી કાનની બહેરાશ મટે છે.(૬) બીલીના કાચા કોમળ ફળના ગર્ભને સુકવીને બનાવેલું ચુર્ણ અતીસાર-ઝાડા, મરડો, સંગ્રહણી, કોલાયટીસ(મોટા આંતરડાનો સોજો), રક્તાતીસારમાં ખુબ જ રાહત કરે છે. એક ચમચી આ ચુર્ણ દીવસમાં ત્રણ વાર મોળી છાસ સાથે લેવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે. ઉપરોક્ત બધી વીકૃતીઓમાં પણ ફાયદો થાય છે. એનાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, વાયુ અને કફ મટે છે.(૭)  મરડો ખુબ જ જુનો હોય તો બીલીના ફળનો ગર્ભ અને એટલા જ વજનના તલનું ચુર્ણ તાજા મોળા દહીંની તર સાથે સવાર-સાંજ લેવાથી મટે છે. જો મળ સાથે રક્તસ્રાવ થતો હોય તો આમાં એક ચમચી સાકર મીશ્ર કરી પીવું.(૮) બીલાનો ગર્ભ, ઘોડાવજ અને વરીયાળીનું સરખા વજને મેળવેલ ચુર્ણ મરડામાં અકસીર છે.(૯) કાચા બીલાના ગર્ભને સુકવી બનાવેલ એક ચમચી ચુર્ણ એટલી જ સાકર સાથે સવાર-સાંજ લેવાથી ઝાડા મટે છે.(૧૦) બીલીપત્રનો રસ બેથી ત્રણ ચમચી જેટલો સાકર નાખી પીવાથી કોઈપણ પ્રકારનો રક્તસ્રાવ મટે છે.(૧૧) બીલીપત્રનો રસ ડાયાબીટીસમાં લાભ કરે છે તથા સોજા મટાડે છે.(૧૨) ન રુઝાતા ગંધાતા ચાંદા પર બીલીપત્ર વાટી પેસ્ટ બનાવી લગાડવાથી ચાંદાં મટી જાય છે.(૧૩) ઉનાળામાં દરરોજ બીલાનું શરબત પીવાથી આંતરડાં મજબુત બને છે અને પાચન શક્તી સુધરે છે. પાચનશક્તી સારી રાખવા માટે એ આશીર્વાદ સમાન છે.(૧૪) બીલાના ફળના ગરના ટુકડાઓને છાસમાં લસોટી ચટણી જેવું બનાવી અડધીથી એક ચમચી જેટલું સવાર, બપોર, સાંજ લેવાથી ઝાડા, મરડો, સંગ્રહણી મટે છે.(૧૫) બીલામાંથી બનાવવામાં આવતા ચાટણને બીલ્વાવલેહ કહે છે. એકથી બે ચમચી બીલ્વાવલેહનું સવાર, બપોર, સાંજ સેવન કરવાથી પણ મરડો, સંગ્રહણી અને પાતળા ઝાડા મટે છે.(૧૬) કાચા બીલાને સુકવી તેના ગર્ભનું બનાવેલ એક ચમચી બારીક ચુર્ણ એટલી જ સાકર મેળવી સવાર-સાંજ લેવાથી પાતળા ઝાડા, લોહીવાળા ઝાડા, ચીકણા ઝાડા વગેરે મટે છે.(૧૭) બીલીના પાનનો રસ પણ રક્તસ્રાવને રોકે છે. બીલીના પાન ખુબ વાટી પેસ્ટ બનાવી ન રુઝાતાં ચાંદાં પર લગાવવાથી થોડા જ દીવસોમાં એ મટી જાય છે.(૧૮) બીલીના મુળની છાલનું ચુર્ણ પૌષ્ટીક છે અને સોજા ઉતારે છે.(૧૯) પાકા બીલાનું શરબત પીવાથી અતીસાર અને આંતરડાનાં ચાદાં મટે છે. કાચા બીલાનું ચુર્ણ સાકર સાથે લેવાથી બાળકોના ઝાડા મટે છે.(૨૦) સુકું બીલું, વરીયાળી અને સુંઠનું સરખા ભાગે બનાવેલું એક ચમચી ચુર્ણ એક કપ પાણીમાં ઉકાળી સવાર, બપોર, સાંજ લેવાથી આમસંગ્રહણી મટે છે.(૨૧) બીલાની છાલના રસમાં જીરુનું ચુર્ણ અને સાકર નાખી સવાર-સાંજ લેવાથી ધાતુપુષ્ટી થાય છે.(૨૨) બીલાના માવાનું ગોળમાં બનાવેલું શરબત પીવાથી બધી જાતના અતીસાર મટે છે.(૨૩) બીલાનો રસ અને કેરીની ગોટલીનો રસ મીશ્ર કરી પીવાથી સગર્ભાની ઉલટી બંધ થાય છે.