ગામડા માં રેહતાં અને પશુપાલન કરતાં લોકો એ ખાસ વાંચવું આ વાયરસ કોંગો ફીવર વીશે

ગામડા માં રેહતાં અને પશુપાલન કરતાં લોકો એ ખાસ વાંચવું

આરોગ્ય અપીલ🙏🏻

અત્યારે વર્તમાન પત્રોમાં અને સમાચાર માધ્યમોમાં કોંગો હેમરેજીક ફીવર વિશે અવારનવાર સમાચાર જોવા મળે છે. આ વિશે અમુક જાણવા જેવી બાબતો અત્યારે સૌ મિત્રો સમક્ષ રજુ કરું છું.

1) કોંગો ફીવર વાયરસથી થતી બીમારી છે. આ વાયરસ પશુઓમાં જોવા મળતી ઇતરડી દ્વારા ફેલાય છે.

2) ઇતરડી વાયરસ ધરાવતી હોય અને પશુને ચેપ લગાડે તો પણ પશુમાં આના કોઈ ખાસ લક્ષણો જોવા નથી મળતા. પરંતુ આવી ઇતરડી જો સંજોગો સર્જાતા મનુષ્યને કરડે અને વાયરસ શરીરમાં દાખલ થાય તો એવી વ્યક્તિને ચેપ લાગે છે.

3) ઇતરડી કરડયાને 2 થી 6 દિવસના ગાળા બાદ આ રોગના લક્ષણો જોવા મળે છે…………

4) ચેપ લાગવાના શરૂઆતના લક્ષણો અન્ય વાયરલ તાવ જેવા જ હોય છે. જેમ કે માથું દુઃખવું, તાવ આવવો, શરીરમાં કળતર થવું, પેટમાં દુખાવો થવો, ક્યારેક ઉલટી કે ઉબકા થવા, માનસિક બેચેની થવી, નબળાઈ લાગવી વગેરે.

5) પરંતુ આવા લક્ષણો પછી ત્રણથી ચાર દિવસમાં અન્ય ગંભીર લક્ષણો પણ જોવા મળી શકે છે. જેમ કે, નાકમાંથી, પેઢામાંથી કે મલદ્વારમાંથી લોહી નિકળવું. શરીર પર ચામડી નીચે રહેલી સૂક્ષમ રક્તવાહિનીઓ માંથી હેમરેજના કારણે બ્લીડીંગ થવાથી નાના નાના ચાઠા કે ચકામા દેખાવા. વ્યક્તિના મગજમાં સોજો કે હેમરેજીક બ્લીડીંગ થવાને કારણે ધીરે ધીરે વ્યક્તિનું કોમામાં સરકવું. વિગેરે…

અને આ તબક્કામાં મૃત્યુ પણ નિપજી શકે છે. કોંગો હેમરેજીક ફિવરમાં મૃત્યુ દર 40% સુધીનો હોય છે. એટલે કે સઘન સારવાર છતાં, 100 માંથી 40 દર્દીઓ મૃત્યુ પામતા હોય છે.

6) ગુજરાતમાં હાલ ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી આ કેસ આવી રહ્યા છે. ભૂતકાળમાં કચ્છ જિલ્લામાંથી પણ કેસ નોંધાયા છે. અને કેસ ન નોંધાયા હોય એવા વિસ્તારોમાં પણ આ રોગ થવાની શક્યતાઓ છે જ…….

7) જે લોકો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમને પશુઓ સાથે કામ કરવાનું હોય છે એવી વ્યક્તિમાં સંપર્કની શક્યતાઓ અને સંક્રમણ ફેલાવાની શક્યતાઓ વધારે હોય છે.

8) એ સિવાય પણ પશુના સીધા સંપર્કમાં ન આવ્યા હોય પરંતુ પશુઓ રાખ્યા હોય કે પશુઓ જ્યાં રહ્યા હોય, નીકળ્યા હોય એવા વિસ્તારમાં ચેપી ઇતરડી હોય એવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં.

9) ઇતરડી આમ તો પોતાનું જીવન પશુની ત્વચા પર ચોંટી રહીને જ વ્યતીત કરે છે. પરંતુ એ સિવાય પણ પશુના આવાસની આજુબાજુની મકાન કે કુદરતી જગ્યાઓમાં તિરાડોમાંથી કે પથ્થર નીચેથી કે એવી અંધારી અને ઠંડી જગ્યાએથી મળી આવે છે.

10) પશુમાંથી મનુષ્યમાં આ રોગ ઇતરડી કરડવાથી ફેલાય છે. પરંતુ મનુષ્યને ચેપ લાગ્યા પછી અન્ય મનુષ્યમાં તે ચેપી વ્યક્તિના શરીરના કોઈ પણ પ્રવાહી દ્વારા ફેલાઈ શકે છે. આથી રોગની સારવાર કરતી વખતે કોઈ કારણોસર ડોકટર કે અન્ય હોસ્પિટલ સ્ટાફ આવા પ્રવાહી દ્રવ્યોના સંપર્કમાં આવે તો તેનાથી પણ સંક્રમણ થઈ શકે છે.

11) આ રોગમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતો હોય છે. એટલે સામાન્ય તાવ જણાય કે શંકાસ્પદ લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ. અને લોહીના સામાન્ય રિપોર્ટ કરવાથી પણ ઘણી મદદ મળી રહેતી હોય છે.

12) કોંગો ફીવર માટેના રિપોર્ટ કરવા સેમ્પલ પુના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલવામાં આવે છે. અને એ રૂટિન ટેસ્ટ નથી.

13) યોગ્ય જાણકારીથી આ રોગથી બચી શકાય છે. જરા પણ શંકા જણાય તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રની કે હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *