છાતીમા ભરાયેલા કફને દુર કરવા અપનાવો આ ઉપાય

0

કોઈપણ ઋતુમાં શરદી-સળેખમની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે વાતાવરણ બદલાયા કરે છે એવામાં દર ત્રીજી-ચોથી વ્યક્તિને આપણે આ સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ. જેમ જેમ ઋતુ બદલાય છે તેમ આપણા શરીરની પ્રકૃતિ મુજબ તેના પર પણ અસર પડે છે. બદલતી ઋતુને કારણે શરદી-ખાંસી કે પેટ ખરાબ થવુ, એસીડીટી થવી એ એક સામાન્ય સમસ્યા છે. જેનો ઈલાજ મોટાભાગના લોકો ઘરઘથ્થુ ઉપાયો દ્વારા કે કાયમ લેતા હોય તેવી દવાઓ દ્વારા કરે છે. જો તમે પણ આ સમસ્યાઓનો ઈલાજ કરવા માટે કડવી દવાઓ લઈને થાકી ગયા હોય તો આવામાં ડોક્ટર પાસે દોડવાને બદલે તમે કેટલાંક પ્રાચીન નુસખા અજમાવીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.

– અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વાર સુંઘવાથી છીંકોનો વેગ ઘટી જઈ શરદી શાંત થઈ જાય છે. અજમાનું તાજું બનાવેલું ચુર્ણ ઘસવાથી શરદી, છીંક અને મસ્તકના કૃમીઓનો નાશ થાય છે.

– થોડા નવશેકા પાણીમાં એક લીંબુનો રસ નીચોવી દર બે-ત્રણ કલાકના અંતરે નિયમિત પીવાથી શરદી સારી થઈ જાય છે.

– ગરમ જળપાનથી શરીરની ગ્રંથિઓના સ્રાવો વધે છે. તેથી શરદી-ખાંસીમાં રાતે સૂતી વખતે, સૂતાં પહેલાં અને સવારે દાતણ કરીને તરત ગરમ પાણી પીવાથી છાતી-હોજરીનો કફ છુટી જઈને દર્દમાં આરામ થાય છે.

– ભારે શરદી હોય અને નાક બંધ થઈ ગયું હોય તો તપેલીમાં પાણી ખુબ ગરમ કરી થોડું પેઈન બામ, નીલગીરીનું તેલ કે કપૂર નાખી માથાથી તપેલી ઢંકાય તેવું જાડું કપડું કે ટુવાલ ઓઢી ગરમ પાણીનો નાસ લેવો. તરત ફાયદા થશે.

અન્ય ઝડપથી ઈલાજ કરતાં પ્રાચની નુસખાઓ વિશે…….

– પાણીમાં સૂંઠની એક ગાંગડી મુકી અર્ધા ભાગનું પાણી રહે ત્યાં સુધી ઉકાળી, ઠારીને ગાળી લેવું. પાણીમાં નીચેના તળીયાના ક્ષારો ન આવે તેમ બીજા વાસણમાં લઈ લેવું. આ સુંઠી જળ પીવાથી કાયમી શરદી, સળેખમ, નાક બંધ થવું, દમ-શ્વાસ, હાંફ, વરાધ, સસણી, ફેફસામાં પાણી ભરાવું, અજીર્ણ-અપચો, કૃમી,ચીકણો ઝાડો-આમદોષ, જળસ, વાળો, બહુમુત્ર (વારંવાર ખુબ જ પેશાબ કરવા જવું), ડાયાબીટીસ, લો બ્લડપ્રેશર, શરીર કાયમ ઠંડુ રહેવું, મસ્તક પીડા જેવાં કફદોષજન્ય તમામ દર્દોમાં લાભ થાય છે.

– ૧/૪ ચમચી એલચી ચુર્ણ સાથે એક ચમચી મધ મેળવી ચાટવાથી ઉધરસ મટે છે. મોટી એલચી ગરમ છે. એનાથી કફ, પિત્ત, રક્ત વિકારો, દમ, ચળ, તરસ, મોળ, ઉબકા, અરુચી, અપચો, મૂત્રાશયના રોગ, મોઢાના રોગો, માથાના રોગો, શરદી-સળેખમ અને ઉધરસ મટે છે.

– સૂંઠ, મરી અને પીપરનું સરખા ભાગે બનાવેલું એક ચમચી જેટલું ચુર્ણ એક ચમચી મધ સાથે મિશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે ચાટી જવાથી શરદી-સળેખમ,ઉધરસ, એલર્જી, ગેસ, અરુચી અને અપચાની ફરીયાદ મટે છે. સાથે જરૂરી પરેજી પાળવી, જેમ કે વધુ પડતાં ખાંડ-ઘીવાળો, તળેલો, પચવામાં ભારે આહાર ન લેવો, માત્ર સુપાચ્ય હળવો ખોરાક લેવો. બને ત્યાં સુધી શક્તિ મુજબ બેત્રણ કિલોમીટર દરરોજ ચાલવું વગેરે.

– સૂંઠ નાખી ઉકાળેલું પાણી પીવાથી અથવા પીવાના પાણીમાં સૂંઠનો ગાંગડો નાખી લાંબા સમય સુધી એ પાણી પીવાથી જુની શરદી મટે છે. રોજ નવો ગાંગડો મુકવો.

– સૂંઠ, તજ અને ખડી સાકરનો ઉકાળો પીવાથી શરદી-સળેખમ મટે છે.

– ૧૦ ગ્રામ સૂંઠનું ચુર્ણ, ૧૦ ગ્રામ ગોળ અને એક ચમચી ઘી એકત્ર કરી, થોડું પાણી મેળવી, અગ્નિ પર મુકી રાબડી જેવું કરી રોજ સવારે ચાટવાથી ત્રણ દિવસમાં શરદી અને સળેખમ મટે છે.

– તજ, મરી અને આદુનો ઉકાળો દરરોજ પીવાથી શરદી મટે છે.

– દહીંમાં મરી અને ગોળ મેળવી ખાવાથી શરદી અને સળેખમ મટે છે.

– ફુદીનાનો તાજો રસ અથવા અર્ક શરદી દૂર કરે છે.

– મધ અને આદુનો રસ ૧-૧ ચમચી એકત્ર કરી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે.

– લવિંગ દીવા પર શેકી મોંમાં રાખવાથી શરદી અને ગળાનો સોજો મટે છે.

– લીંબુનો રસ રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં પીવાથી શરદી મટે છે. આ પ્રયોગ કેટલાક દિવસ સુધી કરવાથી જીર્ણ સળેખમ-જુની શરદીમાં પણ ફાયદો થાય છે.

– વાટેલી રાઈ મધ સાથે ખાવાથી શરદી મટે છે. રાઈ ખુબ ગરમ હોવાથી પોતાની પ્રકૃતિનો ખ્યાલ કરી એનો ઉપયોગ કરવો.

– દરરોજ થોડું ખજુર ખાઈ ઉપર ચાર-પાંચ ઘુટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો બનીને ગળફાના રૂપમાં બહાર નીકળે છે, ફેફસાં સાફ થાય છે અને શરદી-સળેખમ મટે છે. એનાથી લોહી પણ શુદ્ધ થાય છે.

– નાગરવેલનાં બે-ચાર કોરાં પાન ચાવી જવાથી શરદી અને સળેખમ મટે છે.

– હળદર ચુર્ણના ધુમાડાનો નાસ લેવાથી શરદી-સળેખમ તરત જ મટે છે.

– સૂંઠ, તજ, ફુદીનો, તુલસીનાં પાન એલચી વગેરેના બોરકુટા ચુર્ણના બનાવેલા ઉકાળાથી શરદી મટે છે.

– દહીંમાં મરીનું ચુર્ણ અને ગોળ નાખી રોજ ખાવાથી લાંબા સમયની શરદી અને પીનસ રોગ મટે છે. થોડા દિવસ ખોરાક બંધ કરી આ પ્રયોગ કરવો. એકલા દહીં પર રહેવાય તો વધુ સારું.

નવી શરદીમાં ખાટા દહીંમાં ગોળ અને મરીનું ચુર્ણ નાખી ખાવાથી લાભ થાય છે.

– એકાદ નાની ચમચી વાટેલી રાઈ મધ સાથે મેળવી દિવસમાં બે-ત્રણ વાર ચાટવાથી બહુ ઠંડી લાગતી નથી.

– ગરમા ગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે.

– ડુંગળીના રસનાં ટીપાં નાકમાં પાડવાથી શરદી-સળેખમ મટે છે.

– ભોંયરીંગણીના પંચાંગના ૧૫ ગ્રામ ચુર્ણનો ઉકાળો સવાર-સાંજ પીવાથી દમ અને શરદી બંને સારાં થાય છે.

– ગરમ દુધમાં મરીની ભુકી અને સાકર નાખી પીવાથી સળેખમ મટે છે.

– લવીંગના તેલને રુમાલમાં નાખી સુંઘવાથી સળેખમ મટે છે.

– ગરમ કરેલા દુધમાં હળદર અને ઘી નાખી પીવાથી સળેખમ, કફ અને ઉધરસ મટે છે.

– સમાન ભાગે મેથી અને અળસીનો હુંફાળો ઉકાળો દિવસમાં ૩-૪ વાર પીવાથી હઠીલી શરદી મટે છે.

– શરદી અને કફ સારાં થતાં ન હોય તો ખાટી આમલીનાં લીલાં કે સુકાં પાનનો ઉકાળો દિવસમાં ત્રણ વાર એકેક ગ્લાસ હુંફાળો હુંફાળો પીવાથી લાભ થાય છે.

– સરસવના તેલમાં રુનું મોટું પુમડું બનાવી બંને નસકોરાંમાં ખોસી ઉંડા શ્વાસ લેતા રહેવાનો પ્રયોગ દિવસમાં ૩-૪ વખત કરતા રહેવાથી હઠીલી જુની શરદી મટે છે.

– એલોપથીના ડૉક્ટરોના મતાનુસાર શરદી થાય ત્યારે બની શકે તો તીખું ખાવું જોઈએ, જેથી ખાવાની રૂચી વધે અને વધુ ખવાય. ખોરાક લેવાથી શક્તિ મળી રહે અને રોગ દૂર કરવા શક્તિ જરૂરી છે. એક દિવસના ઉપવાસથી પણ શરીર નબળું પડે છે. પેરાસીટામોલવાળી દવા ભુખ્યા પેટે કદી ન લેવાય. શરદીમાં કુદરતી ઉપચાર મુજબ ડુંગળી ખાવી ઉત્તમ છે. જ્યારે કુદરતી ઉપચાર મુજબ શરદી થાય તો એક બે દિવસના ઉપવાસ કરવા જ જોઈએ.

– દુધ, ઘી, તેલ, છાસ, લીંબુ અને વધુ પડતાં ખાંડ-ગોળ બંધ કરી સવાર-સાંજ પાણી સાથે ત્રીકટુ (સૂંઠ, મરી અને લીંડીપીપરનું સમભાગે બનાવેલ ચુર્ણ)ની ફાકી લેવી, અને અજમો અને હળદરની ધુમાડીનો નાસ લેવાથી બંધ થયેલાં નસકોરાં ખુલી જાય છે અને થોડા દિવસમાં શરદી મટે છે.

– સૂંઠ, ગોળ અને ઘીનો લાડુ કરી રોજ સવારે નરણે કોઠે ખાવાથી શરદી મટી જાય છે.

– ૧-૧ ચમચી હળદરનું ચુર્ણ દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી એલર્જીને લીધે થતી શરદી મટે છે.

– ૨૫૦-૨૫૦ ગ્રામ પાકું પપૈયું સવાર-સાંજ નિયમિત ખાવાથી જુની શરદી મટી જાય છે.

– દરરોજ અડધો કલાક ઝડપથી ચાલવાથી શરદી સામે રક્ષણ મળે છે.

– તજ, મરી અને આદુ સરખા ભાગે અધકચરા કુટી,એક ચમચીનો ઉકાળો સવાર-સાંજ પીવાથી જુની શરદી,સાયનસ મટે છે.

– શરદીને કારણે માથું દુખતું હોય તો એક કપ દુધમાં હળદર અને કાળા મરીનું ચુર્ણ નાખી ઉકાળો. આવું દુધ ત્રણ દિવસ સુધી રોજ એક વાર પીઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here