web counter
March 28, 2020

કુદરતી રીતે ધાવણ વધારવાના કેટલાક ઉપાયો વાંચો અને દરેક માતા સાથે શેર કરો

કુદરતી રીતે ધાવણ વધારવાના કેટલાક ઉપાયો:

માતાનું દૂધ પ્રકૃતિનું અણમોલ કહેવાય છે. એમાં માતાને મળતો સંતોષ અને આનંદ અનેરો હોય છે. માતાનું દૂધ બાળક માટે કોઈ વરદાનથી કમ નથી. માતાનું પહેલું પીળું દૂધ બાળકને જીવલેણ બીમારીઓ સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. સાથે જ બાળક અને માતા વચ્ચે એક લાગણીસભર સંબંધ બની જાય છે. જોકે ઘણીવાર કેટલીક નવપ્રસૂતા માતાઓને ધાવણ જરુરી પ્રમાણમાં આવે નહીં ત્યારે મોટી સમસ્યા ખડી થાય છે. નવજાત શિશુ ભૂખનું માર્યું રો-રો કરે છે જે લોકો સહન કરવું અઘરું થઇ જાય છે

બાળકના જન્મની ૪૫ મિનિટની અંદર માએ તેને ધવડાવવાનું શરૂ કરવું જોઈએ. ઑપરેશન દ્વારા જન્મેલા બાળકને પણ અચેતાવસ્થાની દવાની અસર પૂરી થયા પછી સ્તનપાન કરાવવું જોઈએ. પરંતુ જો ધાવણ ન આવે તો ગભરાવવાની જરૂર નથી. કેટલાક સરળ ઉપાય કરીને આ મુશ્કેલીમાંથી રાહત મળી શકે છે.ધાવણ અપૂરતું હોવાનાં અનેક કારણો હોઈ શકે છે જેમ કે તણાવ, અયોગ્ય ખાણીપીણી, અનિદ્રા, ચિંતા વગેરે.

સાથે એ પણ યાદ રાખો કે જ્યાં સુધી ધાવણ સાવ બંધ ન થઈ જાય ત્યાં સુધી દૂધ બનાવવા માટે બજારમાં મળતી દવાઓ કોઈ સંજોગોમાં ન લો.

લસણ ખાવાથી દૂધના ઉત્પાદનની ક્ષમતા વધે છે. જોકે લસણ કાચું ન ખાવ, પરંતુ તેને કઢી, શાક, દાળમાં નાખી રાંધીને ખાવ. લસણના નિયમિત સેવનથી માના સ્તનમાં દૂધ વધી શકે છે.

ઘણી વાર નિયમ પાળવા નથી ગમતાં પરંતુ માતા તરીકે તેની ફરજ હોય છે કે બાળકને પૂરતાં ભોજન તરીકે ધાવણ મળે. આથી તેણે અનિચ્છા છતાં બાળક માટે થઈને આરોગ્યપ્રદ ખાણીપીણી રાખવી જોઈએ. માત્ર જીભના ચટાકા માટે ભોજન ન લો. વધુ તળેલું ન ખાવ. સમયસર જમી લો. તમે આહારમાં જવ (ઑટ્સ)ના ફાડા (જાડું દળેલું) ખાવ. જે ચરબી ઘી, માખણ કે તેલમાંથી નીકળે છે તે દૂધની માત્રા વધારવામાં મદદ કરે છે.

સ્તનપાન કરાવતી વખતે માતાએ શિશુને બંને બાજુએ ધાવણ લેવરાવવું જોઈએ. તેનાથી શરીરમાં દૂધની માત્રા વધુ બનશે. આવું કરવાથી તમારું બાળક પણ સરળતાથી અને આરામથી સ્તનપાન કરી લેશે. બાળકને એકવારના સ્તનપાન વખતે વખતે લગભગ બે વાર બંને બાજુ ધવડાવો.

વરિયાળી ખાવાથી પેટ સાફ આવે છે, હૃદય મજબૂત થાય છે, ઘા જલદી ભરાય છે, શરદીમાં રાહત થાય છે. વાયુવિકાર, પેટના બધા રોગ, કબજિયાત અને ધાવણની અપૂરતી માત્રાની સમસ્યા દૂર થાય છે. આથી માતા જો પોતાનું દૂધ વધારવા માગતી હોય તો વરિયાળી જરૂર ખાય.

જો માતાને પૈસા કે કુટુંબ સંબંધી કોઈ ચિંતા રહે તો તેની અસર અંગો પર પણ થાય છે. તેના કારણે દૂધ ઓછું બને છે. સમય પહેલાં જ દૂધ સૂકાવા લાગે છે. આથી દૂધની માત્રા વધારવા માટે સૌથી પહેલાં તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતાથી દૂર રહેવું પડશે. આ સમયે તમારી ચિંતા માત્ર તમારી અને તમારા બાળકના સ્વાસ્થ્યની જ હોવી જોઈએ.

દૂધની માત્રા વધારવા તમે બદામ, કાજુ, પિસ્તા જેવો સૂકો મેવો જરૂર ખાવ. તેનાથી દૂધની માત્રામાં વધારો થાય છે. તમે ઈચ્છો તો દૂધમાં નાખીને પણ તે પી શકો છો.

તુલસી અને કારેલાં વિટામીનના સારા સ્રોત છે. તેના સેવનથી પણ વધુ ધાવણ પેદા થાય. તુલસીને સૂપ કે મધ સાથે મેળવીને ખાઈ શકાય છે. તુલસીની ચા બનાવીને પણ પી શકાય. કારેલું મહિલાઓમાં દૂધની પ્રક્રિયા ઠીક કરે છે. કારેલાનું શાક બનાવતી વખતે મસાલા ઓછા નખાવડાવો જેથી પચી જાય.