તમારું બાથરૂમ સ્વચ્છ અને સુંદર દેખાશે આટલું કરો

ડાઘા વગરનો અને ચમકતી ટાઇલ્સવાળો બાથરૂમ જોવામાં તો સ્વચ્છ લાગે છે, પરંતુ આવો બાથરૂમ શું ખરેખર કિટાણુમુક્ત હોય છે? પેથોલોજિસ્ટ ડોક્ટર વર્ષાબહેન કહે છે કે આજના આધુનિક યુગમાં ચકચકાટ બાથરૂમને જ સ્વચ્છતાનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ માઇક્રોસ્કોપથી જોવામાં આવે  તો ખ્યાલ આવશે કે આવા ચકચકતા બાથરૂમમાં પણ અસંખ્ય બેક્ટેરિયા રહી ગયેલા હોય છે.

બાથરૂમનો ઉપયોગ કુટુંબના સૌ સભ્યો કરતા હોય છે. આવામાં જો પૂરતી સ્વચ્છતા રાખવામાં ના આવે તો રોગના જંતુ ફેલાતાં ચેપની શક્યતા વધી જાય છે. આવો બાથરૂમ રોગ ફેલાવવામાં મોટો ભાગ ભજવે છે. બાથરૂમને સ્વચ્છ અને જંતુરહિત બનાવવા માટે નીચે જણાવેલી સાવચેતી રાખવી અનિવાર્ય છે.

હાથ સ્વચ્છ રાખો

સંડાસ ગયા પછી અલગ રાખેલા સાબુથી હાથ ધોવા જોઈએ.  વ્યવસ્થિત રીતે હાથ ધોવામાં ઓછામાં ઓછી ૧૫ સેકન્ડ લાગે છે અને આ માટે ડો. વર્ષાબહેન નીચે જણાવેલી બાબતો ધ્યાનમાં રાખવાનું કહે છે :

* હાથ બરાબર ઘસીને સાફ કરો.

* બંને હથેળી એકબીજા સાથે ઘસો.

* આંગળીઓની વચ્ચે પણ ઘસીને સાફ કરો.

* હાથને પાછળની બાજુથી પણ ધુઓ.

* આંગળીઓ અને અંગૂઠાનાં

ટેરવાં પણ ઘસીને સાફ કરો.

એટલું યાદ રાખજો કે સ્વચ્છતા સંબંધી સારી ટેવો, સંડાસની બરાબર સફાઈ અને સ્વચ્છ રસોડું આપણને રોગોથી બચાવે છે.

સાબુ

જો આખા કુટુંબ વચ્ચે એક જ સાબુ વપરાતો હોય તો પણ ચેપની શક્યતા રહે છે. આથી બને ત્યાં સુધી પ્રવાહી સાબુ જ વાપરવો જોઈએ.

બીજી વાત એ કે, ચેપથી બચવું હોય તો સાબુના દ્રાવણને પાતળું ના કરો.

સાબુને પાણીમાં પલળતો કે ખુલ્લો ના રાખો પરંતુ હવાની અવરજવર થાય તેવી સાબુની  ડબ્બી (સોપકેસ)માં રાખો.

સાબુનો ઉપયોગ કરી લીધા પછી ફરી સોપ કેસમાં રાખતાં પહેલાં સ્વચ્છ પાણીમાં થોડો ઝબોળી લો.

ટુવાલ

એક જ ટુવાલ ઘરનાં અલગ અલગ લોકો વાપરે એ તંદુરસ્તી માટે નુકસાનકારક છે. તેનાથી ચામડીના રોગો પણ થઈ શકે છે.

ટુવાલ રોજેરોજ અથવા એકાંતરે દિવસે ધોવો જોઈએ.

પેપર ટોવેલ્સ પણ ચેપથી બચવા માટે સારો વિકલ્પ છે. ખાસ કરીને જાહેર સ્થળોએ.

ટુવાલને હંમેશાં હવા આવતી હોય એવી જગ્યાએ જ સૂકવવા નાખો.

સ્પંજ

સતત ભીના રહેતા સ્પંજમાં જીવાણુઓ ફૂલેફાલે છે અને તે ધીમે ધીમે વધીને ચેપ ફેલાવે છે. આથી સ્પંજને વધુ વખત સુધી ભીનું ના રાખવું જોઈએ. સ્પંજનો ઉપયોગ કરી લીધા પછી પાણીથી બરાબર ધોઈને ખુલ્લી જગ્યાએ કે હવા આવે એવી જગ્યાએ સુકાવા મૂકો.

શરીરના અલગ અલગ ભાગોની સફાઈ માટે એક જ સ્પંજનો ઉપયોગ કરવો નહીં.

જ્યારે જીવાણું અને ફૂગના લીધે સ્પંજ બ્રાઉન રંગનું થઈ જાય ત્યારે એને ફેંકી દેવું જોઈએ.

ટૂથબ્રશ

દરેકનું ટૂથબ્રશ અલગ અલગ હોવું જોઈએ. કારણ એ કે મોઢાની લાળથી એચઆઇવી વાયરસ થઈ શકે છે. તો વળી મોઢામાં કોઈ ઘા વગેરેથી પણ ચેપ લાગી શકે છે. ટૂથબ્રશને વંદા-ગરોળીથી બચાવવા માટે બ્રશ કર્યા પછી બરાબર ધોઈ, પાણી ખંખેરી નાખો અને બંધ ચોખ્ખા ડબ્બામાં મૂકી દો. વંદા ફરી ગયેલા બ્રશથી દાંત સાફ કરતાં જીવાણું લાગી શકે.

બાથટબ

બાથટબ રોજરોજ સાફ થવું જોઈએ. બાથટબને બરોબર સાફ કર્યા પછી ફુવારાના ઉપરના ભાગને પણ બરાબર લૂછો.

બાથરૂમની ટાઇલ્સ

સલામતીની દ્રષ્ટિએ જોતાં બાથરૂમમાં જમીન પર હંમેશાં એવી જ ટાઇલ્સ લગાડવો કે જેના પર પગ લપસી પડે નહીં. બાથરૂમની જમીન પરની ટાઇલ્સ રોજેરોજ સાદા પાણીથી સાફ કરવી જોઈએ, જ્યારે અઠવાડિયામાં એક વખત જીવાણુનાશક રસાયણથી પણ સાફ કરવી જોઈએ. ભીની ચટાઈ અને ગાલીચો ફૂગ અને જીવાણુઓ વધારે છે. એટલા માટે એ વસ્તુઓને થોડા થોડા સમયે તડકામાં સૂકવતાં રહેવું જોઈએ. ખાસ કરીને બાથટબ અને ફુવારાની આજબાજુ સ્નાન કરતી વખતે સાબુના છાંટા ઊડયા હોય છે. આથી બાથરૂમની દીવાલ પરની ટાઇલ્સ નિયમિત રીતે સાફ કરો. મહિનામાં એક વાર બે ટાઇલ્સ વચ્ચેની જગ્યાને બ્રશથી સાફ કરો, જેથી જામી ગયેલો કચરો નીકળી જાય. આ બધાં સાધનો પણ સારી રીતે સાફ કરીને હંમેશાં સૂકાં જ રાખો. નહીંતર એમાં પણ ફૂગ અને જીવાણું થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top