કચ્છની પ્રખ્યાત ચીઝ દાબેલી બનાવવાની રેસીપી વાંચો અને શેર કરો

ચીઝ દાબેલી

દાબેલી એ કચ્છનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, જેને ડબલ રોટી તરીકે પણ ઓળખાય છે. દાબેલીની શોધ માંડવી, કચ્છનાં કેશવજી ગાભા ચુડાસમા એ ૧૯૬૦ માં કરેલી. હવે તો દાબેલી એ ગુજરાતનાં દરેક શહેર તથા નાના-મોટા ગામમાં તથા વિદેશમાં પણ મળે છે. હું મણિનગર, અમદાવાદ રહું છું અને અહીંયા કર્ણાવતીની દાબેલી પ્રખ્યાત છે. દાબેલીનો સૂકો મસાલો પણ માર્કેટમાં અલગ-અલગ બ્રાન્ડનો મળે છે જેનાથી ઈન્સ્ટન્ટ દાબેલી ઘરે પણ બનાવી શકાય છે. પણ આજે આપણે દાબેલીનો મસાલો બનાવાની પણ રીત જાણીશું.

સામગ્રી –

દાબેલીનો મસાલો બનાવવા માટે

૧/૪ કપ – સૂકા ધાણા, ૧ ચમચી – જીરું ૧ ચમચી – વરિયાળી, ૧ નંગ – મોટી ઈલાયચી, ૧ , ચમચી – કાળા મરી, ૧ ચમચી – દગડ ફૂલ, ૧ ચમચી – લવિંગ, ૨ ચમચી – આમલી, ૧ નંગ – તજ, ૪ ચમચા – સૂકા કોપરાનું છીણ, ૪ ચમચા – કાશ્મીરી લાલ મરચું, ૧ ચમચી – સૂંઠ પાવડર, ૧ ચમચી – મીઠું,, ૨ ચમચી – દળેલી ખાંડ, ચપટી – લીંબુના ફૂલ, ૨ ચમચી – ખાંડ
૩ ચમચા – તેલ, ૨ ચમચી – સૂકા કોપરાનું છીણ

સ્ટફિંગ બનાવવા માટે

૩ નંગ – બટાકા (જૈન દાબેલી બનાવવા – કાચા કેળાં), ૧/૨ કપ – પાણી, ૧/૪ કપ – તેલ, , ૧ ચમચી – લાલ મરચું, ૫ ચમચી – દાબેલીનો મસાલો, ૨ ચમચી – આમલીની ચટણી, સ્વાદાનુસાર – મીઠું, જરૂર મુજબ – દાડમનાં દાણા, મસાલા સીંગ, કોથમીર, સેવ, ગ્રીન ચટણી, મીઠી ચટણી, જામ, બટર, ચીઝ, દાબેલીનાં પાઉં.

રીત –

સૌ પ્રથમ આપણે દાબેલીનો મસાલો બનાવીશું જેને ૧ મહિના સુધી બહાર અને ૬ મહિના સુધી એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે. તો મસાલો બનાવવા માટે સૌ પ્રથમ એક ફ્રાય પેનમાં સૂકા ધાણા, જીરું, વરિયાળી, મોટી ઈલાયચી, દગડ ફૂલ, લવિંગ તથા આમલીને ૨ મિનિટ માટે ધીમી આંચે શેકી લો. ત્યારબાદ તેમાં ૧ નંગ તજનાં ટુકડા કરીને ઉમેરો અડધી મિનિટ માટે શેકી ગેસ બંધ કરો. ત્યારબાદ તેમાં ૪ ચમચા કોપરાનું છીણ ઉમેરી ગેસ ઓન કરીને ૧ મિનિટ માટે ધીમી આંચે શેકો. ગેસ બંધ કરી મિશ્રણ સહેજ ઠંડુ પડે પછી તેને મિક્ષર જારમાં પલ્સ મોડ પર ઓન-ઓફ કરતા કરતા ધીમે ધીમે ગ્રાઈન્ડ કરો. ત્યારબાદ તેમાં કાશ્મીરી લાલ મરચું, સૂંઠ પાવડર, મીઠું, દળેલી ખાંડ ઉમેરી ધીમે-ધીમે ગ્રાઈન્ડ કરો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં લીંબુના ફૂલ, ખાંડ, તેલ તથા સૂકા કોપરાનું છીણ ઉમેરી મિક્સ કરો. જો લાંબા સમય સુધી મસાલો સ્ટોર કરવો હોય તો કપાસિયા તેલ/સનફલાવર તેલ ઉમેરવું. સીંગતેલ ઉમેરવાથી જલ્દી ખોરો થઈ જશે. આ રીતે દાબેલીનો મસાલો તૈયાર થશે.

સ્ટફિંગ બનાવવા માટે –

સૌ પ્રથમ બટાકાને કૂકરમાં જરૂર મુજબ પાણી તથા મીઠું ઉમેરી બાફી લો. છાલ ઉતારી મેશ કરી માવો તૈયાર કરો. એક બાઉલમાં અડધો કપ પાણી લઈ તેમાં ૫ ચમચી દાબેલીનો મસાલો ઉમેરી તેને પાણીમાં ઓગળો. એક ફ્રાય પેનમાં તેલ ગરમ કરી તેમાં દાબેલી મસાલો અને પાણીનો તૈયાર કરેલો ઘોળ ઉમેરો. ઉકળે પછી તેમાં લાલ મરચું, મીઠું તથા આમલીની ઘટ્ટ ચટણી ઉમેરી મિક્સ કરી થોડીવાર માટે પકાવો પછી ગેસ બંધ કરી, તૈયાર મિશ્રણને થાળીમાં પાથરી દો. તેની પર મસાલા સીંગ, દાડમ તથા કોથમીર ભભરાવો. દાબેલીનાં પાઉંને વચ્ચેથી કાપીને તેમાં બંને બાજુ થોડી થોડી ગ્રીન ચટણી, મીઠી ચટણી લગાવી તેમાં એક ચમચી જેટલું સ્ટફિંગ ભરો પછી તેમાં થોડો જામ લગાવી ફરીથી અડધી ચમચી સ્ટફિંગ ભરી મસાલા સીંગ તથા થોડા દાડમનાં દાણા ભરીને તવા પર બટર મૂકીને બંને બાજુ શેકી લો. તૈયાર દાબેલી પર સેવ ભભરાવી, ઉપરથી ચીઝ છીણીને સર્વ કરો. તો તૈયાર છે કચ્છની પ્રખ્યાત દાબેલી.

Leave a Comment