પાકી કેરી ખાવાથી થાય છે અઢળક ફાયદા

પાકી કેરી જો મીઠી હોય તો તેની લિજ્જત જ કંઈ ઓર હોય છે. દુનિયાના દેશોને ભારતની કેરીનું અનેરું આકર્ષણ છે. પાકી કેરી સ્વાદે મીઠી, તાસીરે ઠંડી પચવામાં ભારે, ચીકણી, અગ્નિદીપક, મળભેદક, વાત- પિત્તનાશક અને કફકારક છે. તે વીર્યવર્ધક, બળવર્ધક, સુખકારક, શરીરનો રંગ સુધારનાર અને રોચક છે.

પાકી કેરીને બરાબર ધોઈ, સારી રીતે ઘોળી અને ચૂસીને ખાવી જોઈએ, જેથી તે તરત પચી જઈને શરીરને પોષણ અને શક્તિ આપે છે. પાકી કેરીનો રસ પાણીમાં મેળવી તેનાથી શરીરે ચોળીને નહાવાથી અળાઈ મટે છે. કેરીની ગોટલી શેકીને તેનો ઉપયોગ કરવો. તે કરીથી થતા ઝાડા મટાડે છે અને કેરીના રસનું પાચન કરે છે. મરડા અને ઝાડામાં કેરીની શેકેલી ગોટલી દહીં કે છાશ સાથે આપવી.

ગોટલી સ્વાદે તૂરી અને સ્તંભક હોઈ તે ઝાડા ઉપરાંત લોહીને પણ વહેતું અટકાવે છે. જો દૂઝતા હરસ, લોહીવા, નસકોરી ફૂટવી વગેરેમાં લોહી બંધ કરવું હોય તો ગોટલીનું સેવન કરવું. ગોટલીનો ભૂકો પાણીમાં કાલવી શરીરે ચોપડવાથી અળાઈ થતી નથી અને થયેલી અળાઈ મટે છે. ઊતરી ગયેલી, બગડી ગયેલી, ચાંદાંવાળી કે બેસ્વાદ કેરી ખાવી નહિ.

Leave a Comment