ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને …..
આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા અહીં આ ઔષધીઓનો પરીચય તેમજ ઉપાય મુકવાનો હેતુ માત્ર માહિતીનો છે
ફુદીનો એ મેન્થા કુળની બારમાસી, સુગંધીદાર વનસ્પતિ છે.
ફુદીનો સ્વાદુ, રુચીકર, હૃદ્ય(હૃદયને હીતકર), ઉષ્ણ,દીપન,વાયુ અને કફનો નાશ કરનાર તથા મળમુત્રને અટકાવનાર છે. એ ઉધરસ, અજીર્ણ, અગ્નીમાંદ્ય, સંગ્રહણી, અતીસાર, કૉલેરા, જીર્ણજ્વર અને કૃમીનો નાશ કરનાર છે. એ ઉલટી અટકાવે છે, પાચનશક્તી વધારે છે, તથા પીત્ત કરે તેવું બગડેલું ધાવણ સુધારે છે. એમાં વીટામીન ‘એ’ સારા પ્રમાણમાં છે. વીટામીનની દૃષ્ટીએ ફુદીનાનું સેવન તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન છે.
ફુદીનો અને આદુનો રસ અથવા ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી ટાઢીયો તાવ-મેલેરીયા મટે છે. વળી તેનાથી પરસેવો વળી કોઈ પણ પ્રકારનો તાવ પણ મટે છે.વાયુ અને શરદીમાં પણ એ ઉકાળો ફાયદો કરે છે.
ફુદીનાનો રસ મધ સાથે મેળવી દર બે કલાકે આપવાથી ન્યુમોનીયાથી થતા અનેક વીકારો અટકી જઈ ન્યુમોનીયા ઘણી ઝડપથી મટી જાય છે. ફુદીનાનો રસ મધ સાથે લેવાથી આંતરડાની ખરાબી અને પેટના રોગો મટે છે. આંતરડાંની લાંબા સમયની ફરીયાદવાળા માટે ફુદીનાના તાજા રસનું સેવન અમૃત સમાન ગણાય છે.
ફુદીનાનું શરબત પીવાથી કૉલેરા મટે છે.ફુદીનાનો રસ નાકમાં પાડવાથી પીનસ-સળેખમમાં ફાયદો થાય છે. ફુદીનાનો રસ દાદર પર વારંવાર ચોપડવાથી ફાયદો કરે છે.
વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે એનાં પાન ચાવવાથી રાહત થાય છે.