કમળના બીયાંને મખાણા કહેવામાં આવે છે. જે અંગ્રેજીમાં ‘લોટસ સીડ’, ‘ફોકસ નટ’ અને ‘પ્રીકલી લીલી’ જેવા નામોથી ઓળખાય છે. દુનિયામાં મખાણાનું જેટલું ઉત્પાદન થાય છે એના ૯૦% ઉત્પાદન ભારતમાં અને ૮૦થી ૯૦% ઉત્પાદન બિહારનાં મીથીલાંચલ ક્ષેત્રમાં થાય છે.
મખાણામાં પ્રોટીનનું પ્રમાણ ભરપૂર હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેડ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ઝિંકનું ભરપૂર પ્રમાણ હોય છે. આ સિવાય મખાણામાં ઘણાં એન્ટિઓક્સિડેન્ટ્સ પણ હોય છે. પોતાના આ ગુણોના કારણે મખાણાને ‘સુપર ફૂડ’ માનવામાં આવે છે.
મખાણા તળાવના પાણીમાં ઉગાડવામાં આવે છે જેમાં કોઇપણ પ્રકારના ફર્ટીલાઈઝરનો ઉપયોગ થતો ન હોવાથી ‘ઓર્ગેનીક ફૂડ’ તરીકે પણ પ્રચલિત છે.
ક્યારે ઉગે છે? ડિસેમ્બર કે જાન્યુઆરીમાં મખાણાના બીજ નાંખવામાં આવે છે. ત્રણ મહિના પછી એપ્રિલમાં ફૂલ ઉગવા માંડે છે એ ફૂલ જુલાઈ મહિનામાં પાણી પર તરવા માંડે છે. મખાણાનું ફળ કાંટાવાળુ હોય છે. થોડા સમયમાં તે પાણીની નીચે બેસી જાય છે. એકથી બે મહિનામાં તેના કાંટા ઓગળી જાય છે. સપ્ટેમ્બર મહિનામાં આ ફૂલોને એકઠા કરીને સૂકવી દેવામાં આવે છે.
મખાણાનો ઉપયોગ પૂજાપાઠમાં કરવામાં આવે છે. એ ઉપરાંત, મખાણામાં પ્રોટીન, વિટામીન, કેલ્શિયમ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોવાને કારણે ખોરાક તરીકે પણ એનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે.
રૂ. ૮૦૦ થી રૂ. ૧૦૦૦ના કિલોના ભાવે મળતા મખાણા ખાવાનું આમ તો આપણને પરવડે નહિ, પણ એના ફાયદાઓને જયારે ધ્યાનમાં લઈએ ત્યારે એની કિંમત ગૌણ બની જાય છે.