ઉલટી મટાડવા માટે દાદીમાના 31 નુસખા

ઉલટી (1) 10-10 ગ્રામ આદુનો રસ અને ડુંગળીનો રસ મિશ્ર કરી પીવથી ઉલટી મટે છે. (2) 10-10 ગ્રામ દ્રાક્ષ અને ધાણા વાટી પાણીમાં એકરસ કરી પીવાથી પિત્તની ઉલટી મટે છે. (3) એલચીનું એકથી બે ગ્રામ ચૂર્ણ અથવા એલચીના તેલના પાંચ ટીપાં દાડમના શરબતમાં મેળવી પીવાથી ઉબકા અને ઉલટી મટે છે.

(4) કેળનો રસ મધ મેળવી પીવાથી ઉલટી મટે છે. (5) કેળાનો અવલેહ (જૂઓ અનુક્રમ) ખાવાથી ઉલટી મટે છે. (6) ગંઠોડા અને સૂંઠનું 3-3 ગ્રામ ચૂર્ણ મધમાં ચાટવાથી ઉલટી મટે છે. (7) જાયફળ ચોખાના ધોવળમાં ઘસીને પીવાથી ઉલટી મટે છે. (8) ટામેટાંના રસમાં ચોથાભાગે સકર નાખી જરા એલચીના દાણાનું ચૂર્ણ, સહેજ મરી અને લવિંગનું ચૂર્ણ મેળવી અને પીવાથી ઉલટી મટે છે.

(9) તજ લેવાથી ઉલટી મટે છે. (10) તજનું તેલ બેથી ત્રણ ટીપાં એક કપ પાણીમાં મેળવી લેવાથી ઉલટીમાં ફાયદો થાય છે. (11) તજનો ઉકાળો પીવાથી પિતને લીધે થતી ઉલટી મટે છે. (12) નાળીયેરના ઉપરના છોડાને બાળી તેની રાખ મધમાં ચટાડવાથી ઉલટી મટે છે.

(13) આમળાંના રસમાં ચંદન અથવા પીપરનું ચૂર્ણ નાખી મધમાં ચાટવાથી ઉલટી બંધ થાય છે. (14) બોરના ઠળિયાંની મજ્જા, મમરા, વડના અંકુર અને જેઠીમધ એ ચારનો ક્વાથ કરી, તેમાં મધ અને સાકર નાખી પીવાથી ઉલટી મટે છે. (15) મધમાં ગોળનો રસ મેળવી પીવાથી ઉલટી બંધ થાય છે. (16) મરી અને મીઠું એકત્ર કરી ફાકવાથી ઉલટીમાં ફાયદો થાય છે. (17) મીઠાં લીમડાના પાનનો ઉકાળો કરી પીવાથી ઉલટી મટે છે.

(18) મીઠાં સાથે મરી વાટીને લેવાથી ઉલટી બંધ થાય છે. (19) લીંબુ આડું કાપી બે ફાડ કરી ઉપર થોડી સૂંઠ અને સિંધવ નાખી અંગારા પર મૂકી ખદખદાવી રસ ચૂસવાથી અજીર્ણની ઉલટી મટે છે. (20) લીંબુ કાપી તેની ચીરીઓ પર ખાંડ ભભરાવી ચૂસવાથી હોજરીના દુષિત અન્નવિકારથી થયેલી ઉલટી મટે છે. (21) શેકેલા મગનો કાઢો કરી તેમાં મમરા, મધ અને સાકર નાખી પીવાથી ઉલટી મટે છે. એનાથી દાહ, જ્વર અને અતિસારમાં પણ ફાયદો થાય છે.

(22) પાકા દાડમના રસમાં શેકેલા મસૂરનો લોટ મેળવી પીવાથી ત્રિદોષજન્ય ઉલટી મટે છે. (23) સૂકી મોસંબી બાળી, રાખ કરી મધમાં ચાટવાથી ઉલટી બંધ થાય છે. (24) હિંગને પાણીમાં વાટી લેપ કરવાથી વાયુનો અનુલોમન થઇ ઉલટી મટે છે. (25) ફોતરા સાથેની એલચી બાળી તેની 8 ગ્રામ ભસ્મ મધ સાથે વારંવાર ચટાડવાથી કફ જન્ય ઉલટી મટે છે. (26) જાંબુડીની છાલની રાખ મધ સાથે લેવાથી ખાટી ઉલટી મટે છે.

(27) આમલી પાણીમાં પલાળી, મસળી, ગાળીને પીવાથી પિત્તની ઉલટી બંધ થાય છે. (28) આંબાના અને જાંબુના કુમળા પાનનો ઉકાળો ઠંડો કરી મધ મેળવી પીવાથી પિત્ત જન્ય ઉલટી મટે છે. (29) જવને ચારગણા પાણીમાં ઉકાળી, ત્રણચાર ઉભરા આવે એટલે ઉતારી, એક કલાક ઢાંકી રાખી ગાળી લેવું. જવના આ પાણીને બાર્લી વોટર કહે છે. એ પીવાથી ઉલટી મટે છે. (30) દાણા કાઢી લીધેલા મકાઇના ડોડા બાળી, રાખ કરી, ½ થી ¾ ગ્રામ રાખી મધ સાથે ચાટવાથી ઉલટી તરતજ બંધ થાય છે. (31) લવિંગના તેલનાં 2-3 ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી ઉલટી મટે છે.

Leave a Comment