હાથ પગ અને કમરના દુઃખાવા, પેશાબમાં બળતરા, ઉનવા માટે ગોખરૂ ખૂબ જ ગુણકારી છે

કડવા ગોખરૂ, મોટા ગોખરૂ કે ઉભા ગોખરૂ સુંદર પીળા ફૂલોવાળો ભારતનો ઔષધિય રીતે સૌથી ઉપયોગી છોડ છે. તેનું વૈજ્ઞાનિક નામ પેડાલિયમ મ્યુરેક્ષ (Pedalium murex) છે અને તે પિડાલિએસી (Pedaliaceae) કુળનો છોડ છે. તે કચ્છીમાં કડુઆ ગોખરૂ અને ઉભેરા ગોખરૂ, સંસ્કૃતમાં बृहत् गोक्षुर, तिक्त गोक्षुर અને અંગ્રેજીમાં લાર્જ કેલોટ્રોપ્સ (Large Caltrops), ક્રાઉન થ્રોન (crow thorn), એલિફેન્ટ કેલોટ્રોપ (elephant caltrop), વગેરે જેવા નામોથી ઓળખાય છે.ઉભો ગોખરૂ ઘણી શાખાઓવાળો માંસલ છોડ છે, જે લગભગ 40 સેમી જેટલો ઊંચો વધે છે. પર્ણ સાદા, સામસામે કે આંતરે ગોઠવાયેલા, માંસલ, ગોળાકાર, આગળના ભાગે પહોળા અને કિનારી દંતુંરિત હોય છે. પર્ણની ઉપરની સપાટી લીલા રંગની અને નીચેની સપાટી ફિક્કા સફેદ રંગની, તથા ચીકણી હોય છે. ફૂલો એકાંકી, પર્ણના આધારમાંથી નીકળતા, ફિક્કા પીળા કે પીળા રંગના હોય છે. ફળો ચાર ખૂણાવાળા અને દરેક ખૂણા પર એક ઉભો કંટક હોય છે.

• મૂળ વતન અને ભૌગોલિક વિતરણ :પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ ઉષ્ણકટિબંધીય આફ્રિકા, મેડાગાસ્કર અને ઉષ્ણકટિબંધીય એશિયામાં (ભારત અને શ્રીલંકાથી ઇન્ડોનેશિયા સુધી) વ્યાપક પ્રમાણમાં જોવા છે.

• ઉપયોગ: ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને ભારતના કેટલાક વિસ્તારોમાં તેના પાંદડા જંગલમાંથી એકત્રિત કરવામાં આવે છે અને ભાજી તરીકે બાફીને ખાવામાં આવે છે. તેના સખત અને કાંટાદાર ફળો ભારતીય બજારોમાં દવા તરીકે વેચાય છે. તેના તાજા છોડને દૂધમાં પલાળીને તે દૂધ પૌષ્ટિક તરીકે પીવામાં આવે છે. ઉભો ગોખરૂ ધાતુપૌષ્ટિક, શીતળ અને મૂત્રલ છે. જાતિય નબળાઈ અને શુક્રદોષમાં ગોખરૂ અને તલ બકરીના દૂધ અને મધ સાથે લેવામાં આવે છે. હાથ પગ અને કમરના દુઃખાવામાં ગોખરૂપાક ખૂબ જ ગુણકારી છે. તાજા ગોખરૂને પલાળીને સાકાર સાથે પીવાથી પેશાબમાં બળતરા, ઉનવા અને મૂત્ર વિકારોમાં ફાયદાકારક છે.

ક્યાં જોવા મળે છે રસ્તાઓ કિનારે, ખેતરોના શેઢે, ઘાસના મેદાનો, દરિયા કિનારાની રેતાળ અને કાદવ કીચડવાળી જમીન પર તથા પડતર અને ગૌચર જમીનમાં ઊગતો જોવા મળે છે.

• નામના અર્થ :તેના છોડ અને ફળ પરના કાંટા ઊભા હોવાથી તેને ઊભો ગોખરૂ કહે છે, જ્યારે તે સ્વાદે કડવા હોવાથી તેને કડવા ગોખરૂ પણ કહે છે.

જીનાસ પેડાલિયમ, પેડાલિયોન શબ્દ પરથી આવ્યું છે જેનો અર્થ એક સુકાન કે ફળના પહોળા ખૂણા એવો થાય છે. જે ફળના દેખાવના સંદર્ભમાં છે. જ્યારે લેટિન શબ્દ મ્યુરેક્ષનો અર્થ ખરબચડું કે કાંટાળું એવો થાય છે.

Leave a Comment