જો તમે માનતા હો કે તંદુરસ્તી જાળવવા ખૂબ પ્રયત્ન કરવા પડે તો તે સાચું નથી. અહીં જણાવેલ નાની નાની વાતોનો અમલ કરો અને પછી જુઓ કે તમારી તંદુરસ્તી તમારા જ હાથમાં છે.
શરીરને હાઈડ્રેટ રાખવા રોજ પર્યાપ્ત પ્રમાણમાં (૮ થી ૧૦ ગ્લાસ) પાણી પીઓ. તે તમારા આંતરિક અવયવોને તો સ્વસ્થ રાખશે જ, સાથોસાથ તમારી સ્કીનને પણ હેલ્ધી રાખશે.
કેફીનયુક્ત પીણાં અને એરેટેડ ડ્રીંક્સ બને તેટલાં ઓછા કરી દો. તેને બદલે લીંબુનું શરબત, છાશ, નાળિયેર પાણી કે ગ્રીન ટી જેવાં પીણાં લો.
ખોરાકમાં ખાંડ, મેંદો અને પ્રોસેસ્ડ ફૂડનો ઈનટેક બને તેટલો ઓછો કરો.
લીલાં શાકભાજી અને ફળો મન ભરીને ખાઓ.
સપ્તાહમાં ચાર દિવસ વીસથી ત્રીસ મિનિટ કસરત કરો. વોકિંગ, જોગિંગ, સ્વિમિંગ અને ડાન્સ જેવી એરોબિક્સ ઉત્તમ છે. તે સ્વાસ્થ્યની સાથે ચુસ્તી, સ્ફૂર્તિ અને તાજગી પ્રદાન કરશે. બને ત્યાં સુધી લિફ્ટને બદલે દાદરાનો ઉપયોગ કરો.
રોજ પર્યાપ્ત ઊંઘ લો. તેનાથી શરીરના કોષો રિજુનિવેટ થશે અને થાક દૂર થશે..
સવારે વહેલા ઉઠીને થોડી મિનિટ મેડિટેશન કરો. તેનાથી શરીર, મન અને આત્મા પ્રફુલ્લિત રહેશે.
દિવસના થોડો વખત કે સપ્તાહમાં એકાદ કલાક તમને મનગમતી પ્રવૃત્તિ કરો. સંગીત, વાચન, ચિત્રકામ, ગાર્ડનિંગ, ભરત-ગૂંથણ જેવી પ્રવૃત્તિઓ મનને રિલેક્સ કરે છે અને આનંદ આપે છે. તેનાથી રોજિંદો થાક અને તણાવ દૂર થાય છે.
મહિનામાં એક વાર સગાં-સ્નેહી કે સખીઓ, ફેમિલી ફ્રેન્ડઝને મળવાનું રાખો. સંશોધનોથી પુરવાર થયું છે કે જે લોકો ઘનિષ્ઠ સામાજિક સંપર્ક ધરાવે છે તેઓનું સ્વાસ્થ્ય સારું રહે છે.