લો બીપી અેટલે શું? વારંવાર બીપી લો થવાની તકલીફ રહેતી હોય તો અપનાવો આ ટિપ્સ

સામાન્ય રીતે આપણા હાથમાં રહેલી ધમનીમાંનું દબાણ અથવા પ્રેશર એટલે બ્લડપ્રેશર. આ દબાણ લોહીને વહેવામાં મદદ કરે છે. હૃદયના સંકોચન સાથે ધમનીમાં જે દબાણ ઉત્પન્ન થાય એને ઉપરનો આંક રહે છે, જેને મેડિકલ ભાષામાં સિસ્ટોલિક બીપી કહેવાય છે. હૃદયના વિસ્તરણ સાથે ધમનીમાં પ્રેશર ઓછું થાય એ નીચેનો આંક એટલે મેડિકલ ભાષામાં ડાયાસ્ટોલિક બીપી કહેવાય. અત્યારની વ્યાખ્યા મુજબ તંદુરસ્ત વ્યક્તિનું હાઈ બીપી ૧૨૦ અને લો બીપી ૮૦ હોવું જોઈએ. જો બીપી ૧૪૦/૯૦નો આંક વટાવી જાય તો એ હાઈ બ્લડપ્રેશરનું નિદાન થાય, પણ લો બીપી માટે આવો કોઈ આંક નક્કી કરવામાં નથી આવ્યો. સામાન્ય રીતે હાઈ બીપી ૯૦થી નીચે જાય અથવા તો લો બીપી ૬૦થી નીચું જાય તો એ લો બીપીનાં લક્ષણો કહી શકાય.

ચક્કર આવે, માથું ફરે, બેભાન થઈ જવાય, શરીરમાં નબળાઈ વર્તાય, થાક લાગે, શ્વાસ ઝડપી બને, એકાગ્રતા ઘટે, નજર ધૂંધળી બને, શરીર ઠંડું પડતું લાગે, ચામડીનો રંગ ફિક્કો પડી જાય, ઊબકા આવે,  ડિપ્રેસ થઈ જવાય, નાડી તેજ થઈ જાય, ખૂબ તરસ લાગે. જો લાંબો સમય બીપી નીચું જ રહે તો સમય જતાંની સાથે લક્ષણો ગંભીર થતાં જાય. બીપી ખૂબ જ નીચું જતું રહે તો છાતીમાં દુખાવો થાય અને ક્યારેક હાર્ટઅટેક પણ આવી શકે. જો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો જાન જોખમમાં મુકાય.

સામાન્ય સંજોગોમાં કોઈનું અચાનક બીપી લો થવાને કારણે તકલીફ ઊભી થાય તો તેની આસપાસની વ્યક્તિઓએ કેટલીક પ્રાથમિક સારવાર કરવી જોઈએ. સૌથી પહેલાં તો દરદીને ખુલ્લી હવામાં લઈ જવો અને કપડાં ખૂલતાં કરી લેવાં જેથી તેને શ્વાસ લેવામાં ઓછી તકલીફ પડે. ચક્કર આવતાં હોય તો તેને ઊભા રહેવાને બદલે એક પડખે સુવડાવવો. સીધા સૂવાથી શ્વાસ લેવામાં કદાચ તકલીફ વધી શકે છે. એ પછી તરત જ એક ચમચી મીઠું અને ખાંડ મોંમાં નાખી દો. ધારો કે વ્યક્તિ ગળી શકે એમ ન હોય તો જીભ પર મીઠું અને ખાંડ મૂકી રાખો.

થોડીક સ્વસ્થતા આવે એટલે એને ખૂબ બધી ખાંડ, મીઠું અને લીંબુવાળું પાણી પીવડાવવું જોઇએ. બીપી સામાન્ય થયા પછી જ્યૂસ, ભાખરી અને બટર અથવા તો ચોકલેટ જેવી વસ્તુઓ ખાઈને અડધોથી એક કલાક સુધી વ્યક્તિએ સંપૂર્ણ આરામ કરવો.

૧. ડિહાઇડ્રેશન: ભૂખ્યા રહેવાને કારણે અથવા તો ઝાડાઊલટી થવાને કારણે શરીરમાંથી પાણી અને ક્ષારોનું પ્રમાણ ઓછું થતાં બીપી લો થઈ જાય.

૨. એનિમિયા : શરીરમાં લોહીનું પ્રમાણ અથવા લોહીમાં રહેલા હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય ત્યારે બીપી લો થઈ જાય છે.

૩. હૃદયના રોગો: હાર્ટઅટેક, હાર્ટફેલ્યર, હૃદયના વાલ્વની બીમારીને લીધે હૃદય ધીમું પડવાને કારણે પણ બલ્ડ પ્રેશર ઓછું થઈ જાય.

૪. અન્ય કારણો : ઈજા, એક્સિડન્ટ, જઠરમાં પડેલાં ચાંદાંમાંથી રક્તસ્ત્રાવ અને યકૃતના રોગોમાં પણ બીપી લો થઈ જાય છે. થાઇરોડ, એડ્રીનલ ગ્રંથિ કે ડાયાબિટીસમાં લો બ્લડશુગરને કારણે પણ બીપી લો થઈ શકે છે. વધુ પડતી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી અચાનક જ બીપી લો થઈ જાય છે. ખોરાકની, વસ્તુઓની કે દવાની એલર્જીને કારણે આમ થઈ શકે.

વારંવાર બીપી લો થવાની તકલીફ રહેતી હોય તેમણે આલ્કોહોલ ક્યારેય ન પીવો. ત્રણ કલાકથી વધુ ભૂખ્યા ન રહેવું. સાથે હંમેશાં મીઠું અને ખાંડની પડીકી રાખવી, જેથી થોડુંક પણ બીપી લો જેવું લાગે એટલે તરત જ લઈ શકાય. જો વારંવાર બીપી લો થતું હોય તો બ્લડટેસ્ટ, કિડનીટેસ્ટ, છાતીનો એક્સરે, પેશાબની તપાસ, થાઇરોડ ગ્રંથિના ક્ષારો કે હૃદયની તપાસ માટે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કે સ્ટ્રેસટેસ્ટ કરાવી લેવી જોઇએ.

 લો બીપી ધરાવતા લોકોને ક્યારેક જમ્યા પછી કે ભુખ્યા પેટે ઉભા ઉભા પણ ચક્કર આવે છે. ત્યારે માત્ર બે ગ્લાસ પાણી પીવાથી બીપી નૉર્મલ થઈ જાય છે.

–  ગાજરનો તાજો રસ એના જેટલા જ દુધમાં મેળવી દરરોજ સવારે લેવાથી લો બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે. એનું પ્રમાણ પોતાની જરૂરીયાત મુજબ રાખવું.

–  ચીત્રકમુળ, અજમો, સંચળ, સુંઠ, મરી, પીપર અને હરડેનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી લો પ્રેશરની બીમારીમાં જડથી દૂર થાય છે.

હોમિયોપેથીમાં તો લો બ્લડપ્રેશર માટે ઘણી અસરકારક દવાઓ છે. દર્દીનાં લક્ષણોને આધારે અલગ-અલગ દવાઓ અપાય છે. ખૂબ જ થાક લાગતો હોય તો ચાઈના ઓફ નામની દવા ઉપયોગી છે. બંધ ઓરડામાં શ્વાસ લેવાની તકલીફ પડતી હોય તો કાર્બોવેજ નામની દવા આપવામાં આવે છે. નાડીના ધબકારા ધીમા પડી જાય અને સાથે સાથે ચક્કર આવતા હોય તે વખતે વિસ્કમ આલ્બ નામની દવા તાત્કાલિક આપવામાં આવે છે. બી.પી.માં હૃદયના ધબકારા અનિયમિત થવા લાગે અને પાણીની તરસ ના લાગતી હોય ત્યારે જેલ્સેમિયમ કામમાં આવે છે.

એક વાતનું ખાસ ઘ્યાન રાખવું કે હોમિયોપથીની દવાઓ ડોકટરનો સંપર્ક કર્યા પછી તેમના માર્ગદર્શન અનુસાર જ લેવી જોઈએ.

Leave a Comment