કેરીનું ખાટું અથાણું નહીં, આ રીતે બનાવો ‘છૂંદો’

અથાણાનું નામ સાંભળતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જશે. દરેક ગુજરાતી લોકોને ભોજનની સાથે અથાણું જોઇએ છે. પરંતુ અત્યાર સુધી ખાટા અથાણાની રેસિપી જોઇએ હશે. આજે અમે તમારા માટે ગુજરાતી લોકોનો ફેવરિટ ગળ્યા છૂંદાની રેસિપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. જેને તમે રોટલી, ભાખરી, પરાઠા સાથે ટ્રાય કરી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય છૂંદો..

સામગ્રી

  • 3 કપ – છીણેલી કાચી કેરી
  • 2 કપ – ખાંડ
  • 1 ચમચી – હળદર પાઉડર
  • 2 ચમચી – લાલ મરચું પાઉડર
  • 1 ચમચી – શકેલા જીરાનો પાઉડર
  • મીઠું – સ્વાદાનુસાર

બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં છીણેલી કેરી, હળદર પાઉડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો, તેને એક કલાક રાખી મૂકો. કેરીના મિશ્રણમાંથી પાણી નીકાળી લીધા બાદ તેને એક સાફ મલમલના કપડામાં રાખો. હવે તે કપડાને ફીટ બાંધીને લટકાવી દો જેથી કેરીમાંથી પાણી નીકળી જાય. ત્યાર પછી કેરીની છીણને એક વાસણમાં નીકાળી લો અને તેમા હવે ખાંડ ઉમેરો. કેરીના મિશ્રણને સૂકી અને સાફ ચમચાથી બરાબર મિક્સ કરી લો. ત્યાર પછી વાસણને એક સાફ અને સૂકા કપડાની મદદથી બાંધીને તેને ઢાંકી દો. આ વાસણને 5થી 10 દિવસ તડકામાં રાખી મૂકો. સાંજ પડતા વાસણને અંદર રાખો અને તેની પરથી કાપડ હટાવી ઢાકણાંથી ઢાંકો. તડકામાં મૂકતી વખતે તેને બરાબર હલાવીને કાપડથી બાંધીને મૂકવું. જ્યારે કેરીના છૂંદામાં ચાસણી ઘટ્ટ અને ચિકણી થઇ જાય એટલે તેમા લાલ મરચું અને શેકેલા જીરાનો પાઉડર મિક્સ કરો. તૈયાર છે ગુજરાતી સ્ટાઇલમાં કેરીનો છૂંદો.. તેને કાચની બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો.

Leave a Comment