પૅન ફ્રાઇડ નૂડલ્સ્ શાંઘાઇની મનગમતી વાનગી છે. ચીનમાં પૅન ફ્રાઇડ નૂડલ્સ્ પ્રખ્યાત નાસ્તાની ડીશ ગણાય છે અને તેનો અદભૂત સ્વાદ દરેકને ગમે એવો હોય છે.
રાંધેલા નૂડલ્સ્ ને કરકરા અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે પૅન ફ્રાઈ કરી ઉપર ઘટ્ટ વેજીટેબલ સૉસ પાથરીને તેનો અદભૂત સ્વાદ તરત જ માણવાની મજા ઓર જ આવે છે. આ એક અત્યંત સ્વાદિષ્ટ વાનગી છે જે તમને જરૂર અજમાવા જેવી છે.એક સંતુષટ ભોજન ના અહેસાસ માટે, પૅન ફ્રાઇડ નૂડલ્સ્ સાથે મકાઇના રોલ અને કોઇ પણ મનપસંદ સૂપ પીરસો.
સામગ્રી
નૂડલ્સ્ માટે
૪ ટેબલસ્પૂન તેલ
૨ કપ બાફેલા નૂડલ્સ્
૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર
શાકભાજી માટે
૧/૨ કપ સિમલા મરચાંના ટુકડા (લાલ અને પીળા)
૧/૨ કપ હલકા ઉકાળેલા ગાજરના ટુકડા
૧/૨ કપ હલકી ઉકાળેલી બ્રોકોલીના ફૂલ
૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટીસ્પૂન સોયા સૉસ
૧ ટેબલસ્પૂન ટમૅટો કેચપ
મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર
વિધિ
નૂડલ્સ્ માટે
એક બાઉલમાં નૂડલ્સ્ અને કોર્નફ્લોર ભેગા કરી સારી રીતે મિક્સ કરી લો.
એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં નૂડલ્સ્ સરખી રીતે પાથરી મધ્યમ તાપ પર તે નીચેથી બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
પછી તેને ઉલટાવીને તેની બીજી બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી મધ્યમ તાપ પર રાંધી લો.
શાકભાજી માટે
એક બાઉલમાં કોર્નફ્લોર અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લસણ અને લીલા મરચાં મેળવી ઉંચા તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
પછી તેમાં સિમલા મરચાં મેળવી ઉંચા તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
તે પછી તેમાં ગાજર, બ્રોકોલી, સોયા સૉસ, ટમૅટો કેચપ, મીઠું અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
છેલ્લે તેમાં કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધીને બાજુ પર રાખો.
આગળની રીત
પીરસવાની ડીશમાં નૂડલ્સ્ ગોઠવી, તેની પર શાકભાજી સરખી રીતે પાથરી તરત જ પીરસો.