ગુણકારી ગંઠોડા(પીપરીમૂળ) દેશી ઓસડિયાથી પરિચિત ગૃહિણીઓના રસોડામાં ગંઠોડા કે પીપરીમૂળ હોય જ છે. ગંઠોડા એ લીંડીપીપર નામની વનસ્પગતિના મૂળિયાની ગાંઠ છે. આપણા ઘણાં કુટુબોમાં શરદી, ઉધરસમાં ગંઠોડાની રાબ પીવાય છે. ગંઠોડા ચા- શાકના ગરમ મસાલામાં પણ વપરાય છે. આયુર્વેદની શરદી, વાયુની દવાઓમાં ગંઠોડા વપરાય છે.
છોટા નાગપુરના પ્રદેશમાં બહેનોના માસિક સ્ત્રા વની ગરબડમાં તથા શરદીના વિકારોમાં ગંઠોડાનો ઉકાળો ગોળ નાખી પીવાય છે. પ્રસૂતા સ્ત્રીરઓના પહોળા થયેલા ગર્ભાશય તથા યોનિમાર્ગને મૂળ સ્થિતિમાં લાવવા માટે ઘી- ગોળમાં કરેલી ગંઠોડાની રાબ ઉમદા ટોનિક જેવું કામ કરે છે.જે પ્રસૂતા બહેનોની પ્રસૂતિ થઈ જાય પણ પછી ઓર ન પડે તો તે પડવા માટે ગંઠોડાનો ઉકાળો ગોળ નાખી આપવાથી ઓર બહાર આવી જાય છે.
અનિદ્રાઃ ખૂબ વિચાર, વાયુ કે વૃધ્ધાવસ્થાને કારણે વાયુ વધી જવાથી રાતની ઊઘ ઊડી જાય ત્યારે ગંઠોડાનું ચૂર્ણ ૨ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવું અથવા દૂધમાં ખાંડ તથા ગંઠોડા નાંખી ઉકાળીને પીવાથી ઊંઘ સારી આવે છે.
કફની ઉધરસઃ ગંઠોડા સૂંઠ અને બહેગંદળનું ચૂર્ણ બનાવી રોજ મધમાં ચાટવાથી શરદી, કફની ઉધરસ મટે છે. ટાઢિયો તાવઃ ગંઠોડાનું ચૂર્ણ એકથી બે ગ્રામ જેટલું મધમાં ચાટીને ઉપરથી ગરમ દૂધ પીવાથી તાવ મટે છે.
અમ્લપિતઃ ગંઠોડા ૨ ગ્રામ તથા સાકર ૪-૫ ગ્રામ મેળવી સવાર-સાંજ ખાવાથી શ્વાસનું દર્દ શમે છે.
શ્વાસઃ પીપરીમૂળ ખરલમાં ૨૪ કલાક સુધી સતત ઘૂંટી લઈ, શીશી ભરી લો. તેમાંથી ૨ ગ્રામ દવા મધમાં રોજ સવાર- સાંજ ખાવાથી શ્વાસનું દર્દ શમે છે.
ઊલટીઃ પીપરીમૂળ તથા સૂંઠ સમાન ભાગે લઈ ચૂર્ણ બનાવી ૨ થી ૩ ગ્રામ જેટલું મધ સાથે લેવાથી મટે છે. હ્રદયરોગઃ પીપરીમૂળ તથા એલચી બન્ને સમાન ભાગે લઈ ચૂર્ણ કરી ૩ ગ્રામ જેટલી દવા મધ સાથે લેવાથી કફજન્ય હ્રદયરોગ મટે છે.
સોજાઃ શરીરના કોઈ પણ અંગના વાયુ કે કફના સોજા પર પીપળીમૂળને પાણી સાથે વાટી ગરમ કરીને લેપ કરવો તેમ જ ગંઠોડૉ દેવદાર, ચિત્રક અને સૂંઠ નાખી ગરમ કરેલું પાકું પાણી જ ખાવા- પીવામાં વાપરવું
ધાવણ વધારવાઃ ગંઠોડા અને કાળા મરી પાણી સાથે બારીક વાટીને તે દૂધમાં મેળવી (ખાંડ નાખી) માતાને રોજપીવડાવવાથી તેના ધાવણમાં વધારો થાય છે.
નોંધઃ ગંઠોડા મોટી વયના માણસોને લેવાની માત્રા ૧ થી ૨ ગ્રામ છે. તે ગરમ હોઈ પિત્ત પ્રકૃતિવાળાને માટે સેવન હિતાવહ નથી. તે નેત્રદ્રષ્ટિ અને વીર્ય ઘટાડનાર છે.
ગુણધર્મો : આયુર્વેદના મતે ગંઠોડા કે પીપરીમૂળ સ્વાદમાં તીખા, તીક્ષ્ણ, ગુણમાં લૂખા (રુક્ષ) ગરમ પિતદોષ કરનાર, આમ કફ તથા વાયુદોષ મટાડનાર ભૂખ તથા રુચિ વધારનાર, ઝાડાને ભેદનાર અને પેટનાં (અજીર્ણ વાયુના) દર્દો, આફરો, બરોળ, ગોળો, કૃમિઘ દમ, શ્વાસ, ક્ષય, મગજની નબળાઈ, ગાંડપણ, વાયુપ્રકોપ, પ્રસૂતાને થયેલ (સૂતિકા) રોગ, માસિક સાફ ન આવવું, અનિદ્રા, ઉધરસ, શ્વાસ અને વાયુહર, ઉત્તેજક, ઝાડો સાફ લાવનાર, રકતશુધ્ધિ લાવનાર છે. તે વનજીકર અને સૂતિકા રોગ મટાડનાર છે.