કુદરતી સાબુ તરીકે ઉપયોગી અરીઠાના બીજા અનેકગણા ફાયદા વાંચો અને મિત્રો સાથે શેર કરો

તેની વિશ્વના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં લગભગ 40 પ્રજાતિઓ જંગલી અને સંવર્ધન કરેલી જોવા મળે છે, જેમાં ઈન્ડો-મલયન ક્ષેત્ર મુખ્ય છે. જેમાંથી ત્રણ જાતિઓ  એસ. ઈમાર્જીનેટસ, એસ. મુકોરોસી અને એસ. ટ્રાયફોલિએટસ ભારતમાં થાય છે. અરીઠા મોટા ભાગે ભારતમાં સમગ્ર જગ્યાએ જોવા મળે છે . આ વૃક્ષ ભારતમાં બંગાળના હુગલી – હાવડા, છોટા નાગપુર, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, દક્ષિણ ભારત તથા શ્રીલંકામાં જોવા મળે છે.

અરીઠા મધ્યમ કદનું અર્ધ પાનખર પ્રકારનું વૃક્ષ છે. તેની છાલ કાળાશ પડતી રાખોડી રંગની અને જાડા, નાના ગોળાકાર ટુકડાઓમાં ફાટેલી જોવા મળે છે. પર્ણ પિંછાકાર સયુંકત પ્રકારના અને પર્ણિકાઓની 3 જોડ જોવા મળે છે, જે લંબગોળ, ઉપરની તરફ પીળાશ પડતા નીચે આછા રંગના અને ઉપર આછી રુંવાટીવાળા હોય છે.

ફૂલો સપ્ટેમ્બર – ઓક્ટોબર મહિનામાં શાખાના છેડે લોખડના કાટ જેવા રંગની રુંવાટીવાળા ઝૂમખામાં જોવા મળે છે, આછા પીળા કે સફેદ રંગના હોય છે. ફળો અષ્ટિફળ પ્રકારના ડિસેમ્બર – માર્ચ મહિનામાં જોવા મળે છે, જે ગોળ – લંબગોળ, લીલાશ પડતાં પીળા રંગના અને ઉપર લોખડના કાટ જેવા રંગની રુંવાટીવાળા હોય છે. ફળો પાકે ત્યારે પીળાશ પડતા ભૂખરા રંગના બની જાય છે. ફળની અંદર કાળાશ પડતાં ભૂરા રંગનાં વટાણા જેવડાં, ગોળ અને કઠણ કવચવાળાં બીજ હોય છે. અરીઠાના ફળ સુકાય પછી તેના ત્રણેય ખાંચા તરત જુદા પડે છે અને દરેક ખાંચીયામાં એકેક બીજ હોય છે. આ વૃક્ષના ફળને “અરીઠા” કહેવામાં આવે છે. અરીઠાનાં “બીજ” ને ઊગતાં ત્રણચાર માસથી એકાદ વરસ લાગે છે. તેમજ અરીઠાના વૃક્ષનો વિકાસ ખૂબ જ ધીમો હોય છે. અરીઠાના વૃક્ષમાં 9 – 10 વર્ષ પછી ફળ આવવાનું શરૂ થાય છે.

અરીઠાના ફળની છાલ અને તેના ગરની અંદર 11.5 % સેપોનીન, 10 % શર્કરા, પેક્ટીન વગેરે હોય છે. આ ઉપરાંત મુકોરોસાઈડ પણ હોય છે. તેના બીજમાં 30 % સ્થિર તેલ હોય છે. અરીઠાં એટલે જાણે કુદરતી સાબુ ! કુદરતની આપણને અરીઠારૂપે – અદ્ભુત – અમૂલ્ય ભેટ છે.

અરીઠામાં રહેલા સેપોનિન નામના તત્વને કારણે અરીઠામાં ચીકાશ તથા મેલ કાઢવાનો વિશિષ્ટ ગુણા છે. તેથી લોકો નાહવામાં, ગરમ અને રેશમી કપડાં ધોવામાં તથા સોના – ચાંદીના દાગીનાને ધોઈને ચમકદાર બનાવવામાં તેનો ઉપયોગ કરે છે. ભારતીય સ્ત્રીઓ હજારો વર્ષોથી પોતાના વાળની સફાઈ અરીઠા, આમળાં, શિકાકાઈ તથા કપૂરકાછલી પાવડરના પાણીથી પોતાના વાળની સફાઈ કરે છે. અરીઠા, શિકાકાઈ અને આમળાંનો ઉકાળો કરી વાળ ધોવાથી વાળ સુંદર, સ્વચ્છ, લીસા, ચમકતા અને કાળા થાય છે. અનેક કંપનીઓ અરીઠામાંથી સાબુ બનાવે છે. અરીઠાના ઠળીયાની માળા અને બેરખા પણ બનાવાય છે.

ભારતમાં અરીઠાનો ઔષધિય ઉપયોગ આયુર્વેદમાં, પ્રાચીન ભારતીય તબીબી પદ્ધતિ તેમજ તિબેટીયન, યુનાની અને સદી જુની તબીબી પદ્ધતિઓમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. દ્રવ્યગુણ અને રજનીઘંટુમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળ્યો છે.

अरिष्टः कटुकः पाके तीक्ष्णश्चोष्णश्च लेखनः गर्भपातकरः प्रोक्तो लघुः स्निग्धः त्रिदोषहा । ग्रहपीड़ादाहशूलनाशनश्च प्रकीर्तितः ।। (द्रव्यगुण)

रीठाकरज : तिक्तोष्णः कटुः स्निग्धश्च वातजित् । कफनः कुष्ठकण्डूतिविषविस्फोटनाशनः ।। (राजनिघण्टु)

અરીઠા સ્વાદે કડવા – તીખા, ઉષ્ણવીર્ય, વિપાકે તીખા, ત્રિદોષહર, ગ્રહપીડાનાશક, તીક્ષ્ણ ગરમ, મળને ઉખેડનાર, ભારે ગર્ભને પાડનાર, ઊલટીકર્તા, વિષનાશક, મસ્તકરોગ તથા આધાશીશી મટાડનાર, દાહ શૂળવાઈની મૂર્છા, દૂઝતા હરસ તથા રક્ત – ગુલ્મ મટાડનાર છે. તે વાળને ઉત્તમ પણે સફાઈ કરે છે અને માથાનો ખોડો દૂર કરે છે.

સેપિન્ડસ નામ લેટિન શબ્દો સેપોનિસ પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ “સાબુ” થાય છે, અને ઈન્ડિકસ જેનો અર્થ “ભારત” થાય છે.

સંસ્કૃતમાં તેને ‘અરિષ્ટ’ કહેવામાં આવે છે. અરિષ્ટ એટલે જેના ઉપયોગથી કોઈ અનિષ્ટ થતું નથી. સંસ્કૃત નામ અરિષ્ટ પરથી ગુજરાતી અને હિન્દી નામો આવેલા છે.

Leave a Comment