ગુજરાતી નામ: બીજોરા, બીજોરું, બિજપૂર, માતુલુંગ English name: Citron વાનસ્પતિક નામ: Citrus Medica તમે લીંબુના ફાયદા વિશે ઘણુ બધુ જાણતા હશો પણ લીંબુ જેવુ જ એક બીજુ ફળ છે બીજોરું. વૈદ્યો ‘બિજોરા’ને પાચક ઔષધ તરીકે ઓળખે છે. પાચનને લાગતા રોગોનું તે ઉત્તમ ઔષધ છે. બિજોરું એ લીંબુની જ એક જાત હોવાથી, આપણે ત્યાં ઘણા લોકોને તેને ‘બિજોરા લીંબુ’ પણ કહે છે. આયુર્વેદમાં તેને બિજપૂર, માતુલુંગ વગેરે નામોથી ઓળખવામાં આવે છે.
આ ફળનું અંગ્રેજી નામ “સીટ્રોન” અથવા “સીટ્રન” (citron) છે. પર્શિયન ભાષાઓમાં તેને તુરંજ કહે છે. ગુણકર્મો બિજોરાનાં મધ્યમ કદનાં ઝાડીદાર વૃક્ષો હિમાલયમાં ગઢવાલથી સિક્કિમ સુધી ચાર હજાર ફૂટની ઊંચાઈ સુધી વિશેષ પ્રમાણમાં થાય છે. ભારતમાં હવે તો તે સર્વત્ર થાય છે. તેનાં પાંદડા, ફૂલો વગેરે સાદા લીંબુ જેવા જ હોય છે. ફળ લંબગોળ, ઘણા બીજવાળા અને વજનમાં બસોથી ત્રણસો ગ્રામનાં થાય છે. પાકું બિજોરું સ્વાદમાં મધુર અને ખાટું, ગરમ, પચવામાં હળવું, સ્વાદિષ્ટ, પાચક અને રુચિકર, જીભ, કંઠ અને હૃદયને શુદ્ધ કરનાર તથા બળપ્રદ છે. તે અજીર્ણ, કબજિયાત, દમ, વાયુ, કફ, ઉધરસ, અરુચિ અને ઉદરશૂળનો નાશ કરે છે. કાચું બિજોરું ત્રિદોષવર્ધક અને રક્તને દૂષિત કરનાર છે. બીજોરાનાં બીજ સ્વાદમાં કડવા, ગરમ, પચવામાં ભારે, ગર્ભપ્રદ તથા બળપ્રદ છે.
રાસાયણિક દ્રષ્ટિએ બીજોરાનાં રસમાં સાઈટ્રીક એસિડ, ખૂબ થોડું સલ્ફ્યુરિક એસિડ અને શર્કરા હોય છે. ફળની છાલમાં એક સુગંધિત તેલ રહેલું હોય છે. આ તેલમાં સાઈટ્રિન ૭૬%, સાઈટ્રોલ ૭-૮%, સાઈમીન, સાઈટ્રોનેલાલ વગેરે તત્ત્વો હોય છે.
ઉપયોગ બિજોરું ઉત્તમ પિત્તશામક ઔષધ છે. પિત્તનાં બધા રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. પિત્તની વૃદ્ધિ થઈ હોય અને તેને લીધે આખા શરીરમાં દાહ-બળતરા થતી હોય તો એક ગ્લાસ પાણીમાં થોડો પાકા બિજોરાનો રસ અને સાકર મેળવી, શરબત જેવું બનાવીને પી જવું. પિત્ત અને તેને લીધે થતી બળતરા શાંત થઈ જશે. પાકા બીજોરાનાં રસનું આ શરબત અમ્લપિત્ત-એસિડિટીમાં પણ ઘણો ફાયદો આપે છે.
મૂત્રમાર્ગની પથરીમાં બિજોરું ઉત્તમ પરિણામ આપે છે. બીજોરાનો રસ પાથરીને તોડી-ઓગાળીને બહાર કાઢે છે. પથરી જો બહુ મોટી ન હોય તો બિજોરાનાં બે ચમચી જેટલાં રસમાં ચપટી જવખાર કે સિંધવ મેળવીને દિવસમાં બેથી ત્રણ વખત પીવાથી થોડા દિવસમાં મૂત્રમાર્ગની પથરી નિકાલ પામે છે.
એપિલેપ્સી એટલે કે વાઈની તકલીફમાં બિજોરાના રસનું સેવન ઘણો લાભ થાય છે. એક-એક ચમચી બિજોરા, નગોડ અને લીમડાનો રસ મિશ્ર કરીને થોડા દિવસ સવાર-સાંજ પીવાથી વાઈ (એપિલેપ્સી) મટે છે. સાથે બિજોરા અને નગોડનાં પાનનો રસ સરખા ભાગે મિશ્ર કરીને તેનાં ત્રણ-ત્રણ ટીપાં નાકમાં બંને બાજુના નસકોરાંમાં પાડવાથી ઝડપથી પરિણામ આપે મળે છે.
બિજોરું ચોમાસામાં થતી શરદી અને ઉધરસનું અક્સીર ષધ છે. બિજોરાનાં રસમાં સૂંઠ, આમળા અને પીપરનું સમભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું અને થોડું મધ મેળવીને સવાર-સાંજ પીવાથી બે-ચાર દિવસમાં જ શરદી, ઉધરસ, કફ વગેરે મટે છે.
બીજોરાનો રસ અત્યંત ખાટો, પથ્યકર, રુચીકારક અને પીત્તશામક છે. ફળ પીળું થયા પછી જ ઉપયોગમાં લેવું જોઈએ. બીજોરું સ્વાદીષ્ટ, ખાટું, ગરમ, અગ્નીને પ્રદીપ્ત કરનાર, પચવામાં હળવું, રક્તપીત્ત નાશક, હૃદય માટે હીતકારી તથા ખાંસી, ચુંક, ઉલટી, કફ, ગોળો, હરસ, અરુચી અને તરસનો નાશ કરનાર છે. એ બરોળ અને અપચામાં ઉપયોગી છે. એની છાલ ખુબ જ મીઠી હોય છે અને ગર્ભ ખુબ જ ખાટો હોય છે. શ્રેષ્ઠ ખાટાં ફળોમાં એનો સમાવેશ થાય છે.
બીજોરાનો રસ ચુંક, ઉલટી, કફ, ગોળો, અરુચી, મંદાગ્ની વગેરે મટાડે છે. અરુચી, ઉબકા, ઉલટી, મોળ આવવી વગેરેમાં બીજોરાના ફળની કળીઓ પર સીંધવ છાંટીને ખાવાથી લાભ થાય છે. એનું શરબત જીભ અને કંઠની શુદ્ધી કરે છે.
(૧) બીજોરાનો મુરબ્બો સમગ્ર પાચનતંત્ર અને હૃદય માટે હીતાવહ છે.
(૨) બીજોરાના રસનો કોગળો ધારણ કરી રાખવાથી દાંતના જીવાણુઓ નાશ પામે છે. આથી પાયોરીયા મટે છે અને મોંની વાસ દુર થાય છે.
(૩) બીજોરાનો રસ બરોળના અને લીવરના રોગોમાં ખુબ ફાયદાકરાક છે.
(૪) કમળામાં બીજોરાના રસનું શરબત પીવાથી લાભ થાય છે.
(૫) ચુંક, ઉલટી, કફ, અરુચી, ગોળો, હરસ વગેરેમાં બીજોરાની કળીઓ સીંધવ છાંટીને ખાવી.
(૬) બીજોરાની કળીઓ સહેજ મીઠું નાખી ખાવાથી સગર્ભાની ઉલટી, ઉબકા, અરુચી જેવી તકલીફો દુર થાય છે.
ખાસ નોંધ: ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી હેતુ આપેલી છે.
જે તે ઉપચાર માટે જાણકાર વૈદ, આયુર્વેદાચાર્ય, નિષ્ણાત ચિકિત્સક ની સલાહ લેવી ખૂબ આવશ્યક છે.