ગંઠોડાના ઔષધીય ગુણો અને ઉપયોગો વિશે જાણો પેટના અનેક રોગોને બહાર કાઢશે


પીપરની વેલનાં મૂળને આપણે ‘ગંઠોડા’ કહીએ છીએ. આ વખતે અનિદ્રાના આ ઉત્તમ આયુર્વેદીય ઔષધ પીપરીમૂળ એટલે કે ગંઠોડાનાં ઔષધીય ગુણો અને ઉપયોગો વિશે જોઇએ. પીપર કરતા ગંઠોડા થોડા સૌમ્ય હોય છે. તે કદમાં જેમ મોટા અને વજનદાર હોય તેમ વધારે ગુણકારી ગણાય છે. આયુર્વેદ પ્રમાણે ગંઠોડા સ્વાદમાં તીખા, ગરમ, ભૂખ લગાડનાર, પચવામાં હલકા, પાચક, પિત્ત કરનાર તેમજ કફ, વાયુ, પેટના રોગો, આફરો, બરોળ, કૃમિ, ઉધરસ, દમ અને અનિદ્રાને મટાડનાર છે. તે મસ્તકની નિર્બળતા, ઉન્માદ-ગાંડપણ, સૂતિકારોગ, માસિકધર્મ સાફ ન આવવો જેવી ઘણી તકલીફોમાં ઉપયોગી છે.

ઉપયોગ

ગંઠોડા ઉષ્ણ હોવાથી શરદી, ઉધરસમાં સારું પરિણામ આપે છે. ગંઠોડા, બહેડા અને સૂંઠનું સરખા ભાગે ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ મધમાં મેળવીને લેવાથી શરદી, સળેખમ, ઉધરસ વગેરે મટે છે.

ગંઠોડા એ અનિદ્રાનું શ્રેષ્ઠ ઔષધ છે. આયુર્વેદ પ્રમાણે વાયુની વૃદ્ધિથી ઊંઘ ઊડી જાય છે. ગંઠોડા એ ઉત્તમ વાયુનાશક છે. એટલે અનિદ્રામાં આ પ્રમાણે ઉપચાર કરવો. અડધી ચમચી ગંઠોડાનું ચૂર્ણ બમણા ગોળ સાથે મિશ્ર કરીને રોજ રાત્રે સૂતી વખતે લેવું. ઉપરથી ગરમ દૂધ પીવું. જરૂરથી ઊંઘ આવશે.

પેટનાં વાયુ, અજીર્ણ, આફરો, અરુચિ વગેરે રોગોમાં ગંઠોડાનું અડધી ચમચી જેટલું ચૂર્ણ મધમાં ચાટી જવું. સારી જાતના ગંઠોડાથી હૃદયના રોગોમાં પણ ઘણો ફાયદો થાય છે.

એક ગ્લાસ દૂધને ખૂબ ઉકાળી તેમાં ગંઠોડાનું એક ચમચી જેટલું ચૂર્ણ મેળવી થોડી સાકર ઉમેરી ઠંડું પડે એટલે પી જવું. ઉપર જણાવ્યું તેમ ગંઠોડા વાયુનાશક છે. એટલે વાયુના બધા જ વિકારોમાં આ ઉપચાર ઉત્તમ પરિણામ આપે છે.

ગરમ હોવા છતાં ગંઠોડા અમ્લપિત્ત મટાડનાર છે. એક ચમચી સાકર સાથે અડધી ચમચી ગંઠોડાનું ચૂર્ણ સવાર-સાંજ એક મહિના સુધી લેવાથી અમ્લપિત્ત મટે છે.

Leave a Comment