ખાંડવી બનાવવા માટેની રીત: ખાંડવીનું મિશ્રણ બનાવવા માટે જરૂરી સામગ્રી – 1 કપ ચણાનો લોટ, 1 કપ દહીં, 2 કપ પાણી, 1 ચપટી હીંગ, 1 ચમચી આદુની પેસ્ટ, 1/6 ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું.
ખાંડવીનો વઘાર માટે જરૂરી સામગ્રી – 1 ચમચો જેટલું તેલ, 1 નાની ચમમી રાઇ, 3થી 4 લીલા મરચાં, ખાંડવીનું ગાર્નિશિંગ કરવા માટે – 1 ચમચો સમારેલી લીલી કોથમીર, 1 ચમચો છીણેલું નારિયેળ.
ખાંડવી બનાવવાની રીત – સૌ પ્રથમ ચણાના લોટને એક વાસણમાં સારી રીતે ચાળી લો અને ત્યારબાદ તેમાં દહીં, પાણી, હીંગ અને આદુની પેસ્ટ તેમજ હળદર અને મીઠું નાંખી બરાબર હલાવી મિશ્રણ તૈયાર કરો.આ બાબતનું ધ્યાન રાખો કે મિશ્રણમાં ગઠ્ઠાં ન રહેવા જોઇએ. એક વાસણમાં તૈયાર મિશ્રણ કાઢો અને તેને ગરમ થવા માટે ગેસ પર મૂકવું. ચમચાની મદદથી હલાવી લગભગ 8-9 મિનિટ સુધી મિશ્રણને રાંધો. પહેલા ગેસની વધુ આંચે ગરમ કરો અને જેવું મિશ્રણ ઘટ્ટ થવા લાગે અને મિશ્રણમાં ઉભરો આવે એટલે ગેસની આંચ ધીમી કરી દેવી તમને લાગે કે મિશ્રણ બરાબર ચઢીને ઘટ્ટ થઇ ગયું છે એટલે તેને ગેસની આંચ પરથી ઉતારી લો. હવે પછી આ મિશ્રણને થાળી કે ટ્રેને ચીકણી કર્યા વગર ચમચા કે વાટકીની મદદથી બરાબર પાતળું ફેલાવી દો. વધુમાં વધુ 10-15 મિનિટમાં આ મિશ્રણ જામી જશે એટલે તેને ચાકુની મદદથી 2 ઇંચ પહોળી અને અંદાજે 6 ઇંચ લાંબી પટ્ટીમાં કાપી લો. આ પટ્ટીને એક પછી એક રોલ કરતા જાઓ અને અલગ પ્લેટમાં કાઢી લો. હવે વઘાર કરવા માટે નાનકડી કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થતાં જ તેમાં રાઈ નાંખો ને વઘાર કરો. રાઇ તતડે એટલે ઉપરથી લીલા મરચાં નાંખી ગેસ બંધ કરી દો અને આ તેલના મિશ્રણને થોડું થોડું કરી ખાંડવીની ઉપર રેડો. ઉપરથી સમારેલી કોથમીર અને નારિયેળની છીણથી ગાર્નિશ કરો. આ ખાંડવી તમે કોથમીરથી ચટણી સાથે અને એકલી પણ ખાઇ શકો છો
વેજ સેઝવાન ઢોંસા બનાવવા જરૂરી સામગ્રીઃ- 250 ગ્રામ ઢોંસાનું ખીરું, 5 થી 7 ચમચી તેલ, 2 નંગ ડુંગળી, અડધી ચમચી આદુની પેસ્ટ, 1 નંગ ગાજર, 1 નંગ લીલું કેપ્સીકમ, 1 નંગ લાલ કેપ્સીકમ, 50 ગ્રામ કેબીજ, મીઠું સ્વાદાનુસાર, 3 ચમચી સેઝવાન સોસ (બજારમાં તૈયાર પણ મળે છે), 1 ચમચી લાલ મરચું.
વેજ સેઝવાન ઢોંસા બનાવવાની રીતઃ- સૌ પ્રથમ એક નોનસ્ટીક કઢાઈમાં થોડું તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં લાંબા સમારેલા કાંદા ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ ઉમેરી થોડીવાર સાંતળો. હવે તેમાં લાંબુ સમારેલું ગાજર, લાંબુ સમારેલું લાલ અને લીલું કેપ્સીકમ અને મીઠું ઉમેરી મિક્સ કરી, અધકચરું ચડવા દો. કેબીજ જલદી ચડી જાય છે માટે છેલ્લે કેબીજનું લાંબુ છીણ ઉમેરી મિક્સ કરો. ગેસ બંધ કરી આ સ્ટફિંગ એક બાઉલમાં કાઢી લો. હવે ઢોંસાનાં ખીરામાંથી નોનસ્ટીક લોઢી પર ઢોંસો પાથરી, ફરતું તેલ મૂકો. ઢોંસો એકબાજુ થઈ જાય એટલે તેને ઉથલાવ્યા વગર તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી, ઢોંસો ફોલ્ડ કરી દો. સાંભાર અને ટોપરાની ચટણી સાથે ગરમ ગરમ સેઝવાન ઢોંસા પીરસો.