જન્મજાતથી બાળક મુંગુ બહેરુ હોય તો આશીર્વાદ સમાન છે આ સાધન

બાળકોમાં અનેક પ્રકારની વિકલાંગતા જોવા મળે છે અને અમુક કેસમાં તો વિકલાંગતા બાળકને આજીવન સહન કરવી પડતી હોય છે પરંતુ હવે આધુનિક વિજ્ઞાન અને પારંગત તબીબોના કારણે અનેક વિકલાંગતાની સારવાર શોધાઈ છે તેમાંની એક વિકલાંગતા જે અનેક કેસોમાં નાબૂદ કરી શકાય છે તે બહેરાશની છે. સંપૂર્ણ બહેરાશવાળા બાળકોને થોડા સમય પહેલા સુધી બહેરા-મુંગા તરીકે જીવન વ્યાપન કરવું પડતું હતું. એમના ભણતર માટે પણ સારી વ્યવસ્થાઓ નહોંતી. સમાજમાં એમને જોઈતું સ્થાન નહોંતું મળતું. આવા બાળકો પોતાની વ્યથાને માતા-પિતાને જણાવવામાં પણ અસર્મથ હતા. આ લોકો આજીવન સમાજની મુખ્ય ધારાથી વંછિત રહેતા હતા. વિજ્ઞાનના ક્ષેત્રમાં અત્યાધુનિક શોધખોળના કારણે હવે આવા બાળકો માટે એક વિકલ્પ આવી ગયો છે. આ વિકલ્પ ‘કોકલીયર ઈમ્પ્લાન્ટ’ છે..

કોકલીયર ઈમ્પલાન્ટ એ ઈલેક્ટ્રોનિક કાન (કૃત્રિમ કાન) છે. આ સાધનની મદદથી જન્મથી બહેરા-મુંગા બાળકો પણ સાંભળતા થઈ શકે અને ટ્રેઈનિંગથી તેમને બોલતા પણ કરી શકાય છે..

કોકલીયર ઈમ્પ્લાન્ટ બે ભાગમાં હોય છે. એક ભાગ જેને ઓપરેશન દ્વારા કાનની પાછળ ખોપડીમાં બેસાડવામાં આવે છે (જેને રિસિવર સ્ટીમ્યૂલેટર કહેવાય છે) આ રિસિવર સ્ટીમ્યૂલેટરનો એક્ટિવ ઈલેક્ટ્રોડ અંત: કાનની અંદર સ્થિત શંખ આકારના કોક્લિયામાં બેસાડવામાં આવે છે અને કાનની સાંભળવાની નસ સાથે જોડી દેવામાં આવે છે. આનો બીજો ભાગ જેને સ્પીચ પ્રોસેસર કહીએ તેને કાનની ઉપર પહેરવાનું હોય છે. આ રિસિવર સ્ટીમ્યૂલેટર અને સ્પીચ પ્રોસેસરને ભેગા મળીને કોક્લિયર ઈમ્પ્લાન્ટ કહે છે. આ બંને ભાગ એક જાતના માઈક્રો કોમ્પ્યૂટર છે..

કાન પર આવનારા અવાજોને સ્પીચ પ્રોસેસરમાં રહેલા માઈક્રોફોન આકર્ષિત કરે છે અને આ ધ્વનિ-તરંગોને જુદાજુદા ગ્રુપમાં ભેગા કરી રેડિયો-ફ્રિક્વન્સીમાં રૂપાંતરિત કરી ટ્રાન્સમિટરમાં વાયરલેસથી ખોપડીમાં મૂકેલ રિસિવરસ્ટીમ્યૂલેટરને આપવામાં આવે છે. આ રિસિવર સ્ટીમ્યૂલેટર આ ધ્વનિ તરંગોને કરન્ટમાં રૂપાંતરિત કરે છે અને કોક્લિયામાં મૂકેલ એક્ટિવ ઈલેક્ટ્રોડના માધ્યમથી કાનની સાંભળવાની નસને આપે છે. કાનની સાંભળવાની નસ આ ઈલેક્ટ્રિક તરંગોને મગજની સાંભળવાના કેન્દ્ર સુધી પહોંચાડે છે અને મગજ આ ઈલેક્ટ્રિક કરન્ટને અવાજની રીતે ઓળખે છે..એટલે જે કામ કાનને કરવાનું હોય છે તે કોક્લિયર ઈમ્પ્લાન્ટ કરે છે જેથી બાળકનો અવાજની દુનિયામાં પ્રવેશ થાય છે..

બાળક સાંભળતો થાય પછી તેને સ્પેશિયલ સ્પીચ થેરાપી દ્વારા બોલતા શીખવવામાં આવે છે. આવા બાળકો કોક્લિયર ઈમ્પ્લાન્ટની મદદથી સાંભળતા-બોલતા થઈ જાય છે. સામાન્ય સ્કૂલમાં ભણતા થઈ શકે છે. સામાન્ય જીવન જીવતા થઈ શકે છે..

વિજ્ઞાનની મદદથી આ બાળકો સમાજની મુખ્ય ધારામાં આવી સામાન્ય જીવન જીવતા થઈ જાય છે. ગુજરાત સરકારે ૨૦૧૩ ડિસેમ્બરથી કોક્લીયર ઈમ્પ્લાન્ટને શાળા આરોગ્ય કાર્યક્રમમાં સમાવેશ કર્યો છે. જેથી ગુજરાતમાં રહેતા ૬ વર્ષથી નાના બાળકોને સરકાર દ્વારા નિ:શુલ્ક કોકલીયર ઈમ્પ્લાન્ટ આપવામાં આવે છે

બાળક સાંભળતો થાય પછી તેને સ્પેશિયલ સ્પીચ થેરાપી દ્વારા બોલતા શીખી શકે છે. જેથી બાળક સામાન્ય સ્કૂલમાં ભણી શકે છે

Leave a Comment