શંખાવલી સંસ્કૃતમાં એને શંખપુષ્પી કહે છે. શંખાવલી ગુજરાતમાં બધે થાય છે. સમુદ્ર કીનારાની જમીન તેને વધુ અનુકુળ આવે છે. તેનાં પાંદડાં સોનામુખી જેવાં અને ફુલો શ્વેત ગુલાબી અને શંખના આકારનાં હોવાથી એને શંખાવલી કહે છે. શંખાવલી બારે માસ લીલી મળી રહે છે. એનાં પાન મસળવાથી માખણ જેવાં મુલાયમ થાય છે, આથી તેને માખણી પણ કહે છે. ઔષધમાં શંખાવલીનાં બધાં અંગોનો ઉપયોગ થાય છે. તેના સ્વરસની માત્રા ત્રણથી ચાર ચમચી, ઉકાળો એક કપ અને પંચાંગનું ચુર્ણ એક ચમચી સવાર-સાંજ લઈ શકાય.
મગજની પુષ્ટી માટે શંખાવલીના પંચાંગનું ચાટણ દુધ સાથે આપવું. તેના સેવનથી ખાલી પડેલું મગજ ભરાય છે.
શંખાવલીમાં સારક ગુણ વધારાનો છે, એ સીવાય બીજા ગુણો બ્રાહ્મીને મળતા છે. એની ભાજી બનાવીને પણ ખાઈ શકાય. ફુલ સહીત એના પાનનું તલના તેલમાં વઘારેલું શાક ખુબ સ્વાદીષ્ટ લાગે છે. એનું શાક વાતહર, પાચક, મળને સરકાવનાર, શક્તી અને બુદ્ધીવર્ધક તથા પીત્તહર છે.
શંખાવળીની શાખાઓ વીસ ઈંચ જેટલી સુતળી જેવી બારીક રુંવાટીવાળી હોય છે. તેનાં પાન જરા લાંબાં, બુઠ્ઠાં ટેરવાંવાળાં, બારીક અને આંતરે આવેલાં હોય છે. તેની શાખા ઉપર શંખ જેવા જ આકારનાં ફુલોની હાર જોવા મળે છે. તેનાં ફળ ગોળાઈ લેતાં સુક્ષ્મ અણીવાળાં હોય છે. ઔષધમાં સફેદ ફુલોવાળી શંખાવલી વાપરવી. એ ઉત્તમ બુદ્ધી વધારનાર હોઈ માનસીક રોગો, ગાંડપણ, હતાશા-ડીપ્રેશન, એપીલેપ્સી, વાઈ, ઉન્માદ વગેરેમાં હીતાવહ છે.
- બેથી ત્રણ ચમચી શંખાવલીનો તાજો રસ સવાર-સાંજ પીવાથી ગાંડપણ મટે છે. શંખાવલીના આખા છોડને મુળ સહીત ઉખેડી સારી રીતે ધોઈ પથ્થર પર લસોટી રસ કાઢવો.
- શંખાવલીનું ચુર્ણ અડધી ચમચી, પાંચ નંગ બદામ, બ્રાહ્મી ચુર્ણ પા(૧/૪) ચમચી, ગુલાબના ફુલની પાંખડી નંગ ૧૦, ખસખસ પા(૧/૪) ચમચી, વરીયાળી અડધી ચમચી, મરી નંગ ૧૦ અને એલચી નંગ ૧૦ને દુધમાં લસોટી ચાટણ જેવું બનાવી એક ગ્લાસ દુધમાં સાકર મેળવી શરબત બનાવી રોજ રાત્રે પીવાથી થોડા દીવસોમાં યાદશક્તી વધે છે, ઉંઘ સારી આવે છે, એપીલેપ્સી, ઉન્માદ અને ગાંડપણમાં ફાયદો થાય છે.
- શંખાવલીનું મુળ સાથે શરબત બનાવ્યું હોય તો દસ્ત સાફ ઉતરે છે. રોજ શરબત ન બનાવવું હોય તો શંખાવલી ઘૃત એક ચમચી રોજ રાત્રે ચાટી જવું.
- શંખાવલીના ચાર ચમચી રસમાં ૦.૭૫થી ૧ ગ્રામ (ચારથી પાંચ ચોખાભાર) મીઠી કઠનું ચુર્ણ અને બે ચમચી મધ મેળવી રોજ સવાર-સાંજ પીવાથી ઉન્માદ અને વાઈ મટે છે. તમામ પ્રકારની ઘેલછા અને ગાંડપણમાં ખુબ હીતાવહ છે.
- શંખાવલીના પાનનો ચાર ચમચી રસ સાકર નાખી પીવાથી પ્રમેહ અને સંગ્રહણીમાં અસરકારક ફાયદો થાય છે.
- શંખાવલીના પંચાંગના રસથી સીદ્ધ કરેલું ઘી રેચક હોય છે. આ ઘી એક ચમચી સવાર-સાંજ લેવાથી પેટનો જુનો રોગ સન્નીપાતોદર મટે છે.
- શંખાવલીનાં મુળ અને પાનનો ઉકાળો સંધીવા, વીસ્ફોટક અને શરીરની નબળાઈ પર લાભ કરે છે.
- શંખાવલીનાં સુકાં પાન ચલમમાં નાખી ધુમ્રપાન કરવાથી દમમાં ફાયદો થાય છે.
- શંખાવલીના ચાર ચમચી રસમાં બે ચમચી મધ અને પાંચ કાળાં મરીનું ચુર્ણ નાખી પીવાથી ઉબકા, ઉલટી, હેડકી અને ઓડકાર મટે છે.
શંખપુષ્પી ચુર્ણ : શંખાવળીના આખા છોડને તેના મુળ સાથે લાવી છાંયડે સુકવી ટુકડા કરીને ખુબ ખાંડી બનાવેલા બારીક ચુર્ણને શંખપુષ્પી ચુર્ણ કહે છે. જે બે મહીના સુધી વાપરી શકાય. બે માસ પછી તેના ગુણ ઓછા થવા લાગે છે. એક ગ્લાસ દુધમાં અડધી ચમચી આ ચુર્ણ, એક ચમચી ગાયનું ઘી અને બે ચમચી ખડી સાકરનો પાઉડર નાખી ઉકાળવું. પછી ઠંડું પડે ત્યારે રોજ રાત્રે પીવાથી મગજની યાદશક્તી વધે છે. નબળાઈ દુર થાય છે. વીદ્યાર્થીઓ અને બુદ્ધીજીવીઓ માટે તે ખુબ સારું છે. માનસીક રોગોનું તે ઉત્તમ ઔષધ છે.