આ શાક ની ખાસિયત એ છે કે તળેલા ગાંઠિયા નો ઉપયોગ નથી કર્યો એટલે સાવ ઓછા તેલ માં બનતું આ શાક છે જેનો ટેસ્ટ એકવાર કરશો તો વારંવાર ખાવાનું મન થશે.આ ગાંઠિયા નું શાક સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળતા થી બનાવી શકો એવું છે.
ગાઠિયાનુ શાક બનાવવાની જરૂરી સામગ્રી:-
ગાંઠિયા બનવવા માટે
2 કપ ચણા નો લોટ
1 ચમચી અજમો
ચપટી હળદર અને હિંગ
1 ચમચી મરચું
મીઠું સ્વાદ અનુસાર
1 ચમચી તેલ
એક બાઉલ માં ઉપર જણાવેલી બધી સામગ્રી લઇ અને પાણી ની મદદ થી મીડિયમ સોફ્ટ કણક બાંધી લો.( તીખા ગાંઠિયા માટે બનાવીએ એ રીતે) હવે ગાંઠિયા બનાવાની જાળી ને સંચામાં( સેવ અને ગાંઠિયા બનાવાનો સંચો) મુકો અને સંચામાં તેલ લગાવી ને ગાંઠિયા ની કણક ભરી ને સંચો બંધ કરી દો.
છાશ ના વઘાર માટે ની સામગ્રી:-
11/2 ગ્લાસ છાશ (મીડિયમ ખટાશ વાળી લેવી)
1 ગ્લાસ પાણી
2 ચમચા લસણની પેસ્ટ( અધકચરું જ વાટવું)
1 ચમચી આદું -મરચાં ની પેસ્ટ
5-7 મીઠા લીમડાનાં પાન
2 ચમચા તેલ
1 સૂકું લાલ મરચું
1 ચમચી જીરુ
1/2 ચમચી હળદર
1 ચમચી મરચું
1 ચમચી ધાણાજીરુ
મીઠું સ્વાદાનુસાર
ચપટી હિંગ
રીત:-
સૌ પ્રથમ એક ગરમ કડાઈ માં તેલ લો. તેલ થઈ જાય એટલે લસણ ની પેસ્ટ , આદુ મરચાં ની પેસ્ટ,જીરુ, લાલ સૂકું મરચું, હિંગ, હળદર ઉમેરી ને સાંતળો. ત્યારબાદ લાલ મરચું, ધાણાજીરું, અને મીઠો લીમડો ઉમેરીને બરાબર સાંતળો.. હવે બીજા બાઉલ માં છાશ ,પાણી અને મીઠું મિક્સ કરો લો . અને આ છાશ વઘાર માં ઉમેરી દો. મધ્યમ આંચ પર સતત હલાવતા રહો.જ્યારે છાશ ઊકળી જાય એટલે તેજ આંચ કરી ને લોટ ભરી ને તૈયાર કરેલા સંચા થી છાશ માં જ ગાંઠિયા કરતા જાવ.. સંચા ને ગોળ ગોળ ફેરવતા જાવ એટલે એક જ જગ્યા એ ગાંઠિયા જમા ના થાય.હવે ધીમી આંચ પર આ ગાંઠિયા ના શાક ને 5-7 મિનિટ સુધી થવા દો. સાવ હળવા હાથે જ શાક ને હલાવો..ગેસ બંધ કરી દો .. લસણ વાળું ગાંઠિયા નું શાક તૈયાર છે.
કોથમીર અને લસણ ની સૂકી ચટણી થી ગાર્નિશ કરી ને રોટલી ,ભાખરી કે પરાઠા જોડે સર્વ કરો.
નોંધ:-
તમે સેવ ની જાળી ઉપયોગ માં લઇ ને સેવ નું શાક પણ કરી શકો. જો સેવ નું શાક કરો તો અજમો વાટેલો ઉમેરો નહીં તો સંચા ની જાળી માંથી સેવ નહિ નીકળે .
છાશ સાવ મોળી ના લેવી સહેજ ખટાશ વાળી હશે તો આ શાક નો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે..
શાક થયા બાદ રસો સાવ ઓછો થઇ જશે એટલે બનાવતી વખતે વધુ રાખો .જરૂર હોય તો ગરમ પાણી ઉમેરી ને રસો વધુ કરો.
શાક ને વધુ પડતું હલાવી ને મિક્સ ના કરવું .. ગાંઠિયા તૂટી જશે.
ગાંઠિયા ની કણક માં પણ લસણ ઉમેરી શકાય..
છાશ ઊકળે પછી જ ગાંઠિયા ઉમેરો.
શાક થઈ જશે એટલે છાશ માં ગાંઠિયા ઉપર આવી જશે અને રસો ઘટ્ટ બની જશે.
એકવાર જરૂર થી બનાવો અને કહો કેવું લાગ્યું આ શાક…